બાબરામાં પ્રેમી સાથે લગ્ન કરવામાં બાધારૂપ દોઢ માસના પુત્રની જનેતાએ જ હત્યા કરી’તી
માતાએ માસૂમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને ખોટી સ્ટોરી ઘડી પરંતુ પોલીસ તપાસમાં ભાંડો ફૂટી ગયો
બાબરા તાલુકાના વાવડા ગામે માતાએજ પોતાનાં દોઢ માસનાં માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર પ્રસરી ગઈ છે. પ્રેમ સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પ્રેમી સાથે લગ્નમાં પુત્ર નડતરરૂૂપ હોવાથી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બાબરાના વાવડા ગામે દાહોદના વતની અને ખેતરોમાં ભાગવું રાખી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાનાં બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું.
આ અંગે બાળકની માતા મનીષાબેન બામણીયા (મૂળ રહે. કળશિયા, તા. ગરબાડા, જી.દાહોદ) નામની રપ વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે તે તથા તેના પતિ રાકેશભાઈ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિનાં પોતે ભાગવું રાખેલ વાડીએ સૂતા હતા. આજે સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા જેથી શોધખોળ કરતા તેનાં દોઢ માસનાં પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ તો તેણીનો ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને ખાસી ગયાની શંકા ગઈ હતી.
આ બનાવને લઈને બાબરા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. માતાને મિથુન ભુરીયા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેનો પતિ ચાલ્યો ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂૂપ હોય, જેથી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂૂપ ગણાતી ન હોવાથી માતાએ સાથે રાખી હતી અને પુત્રને મોતનાં મુખમાં ધકેલી દીધો હતો. પરિણામે ક્રૂર માતા મનીષા સામે બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે તેના પતિને શોધવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.