અમદાવાદમાં નવરાત્રીમાં મેટ્રો ટ્રેન રાત્રે બે વાગ્યા સુધી દોડશે
ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હકીકતમાં નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ગરબા ચાલતા હોય છે. આ દરમિયાન ખેલૈયાઓ સાથે સામાન્ય શહેરીજનોને ટ્રાફિક જેવી સમસ્યા ન નડે અને તેઓ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6:20 થી મધ્ય રાત્રિએ 2 વાગ્યા સુધી ચાલુ રહેશે.
રાતે 10 વાગ્યા બાદ મેટ્રો ટ્રેન સેવા માત્ર ફેઝ-1 (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) કોરિડોરમાં દરેક સ્ટેશનથી 20 મિનિટના અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. માત્ર ફેઝ-1 કોરિડોરના દરેક ટર્મિનલ સ્ટેશનથી એટલે કે થલતેજ, વસ્ત્રાલ ગામ, મોટેરા સ્ટેડિયમ તથા અઙખઈથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્ય રાત્રિના 2 વાગ્યાનો રહેશે.
ગત વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા ગરબાની સમયસીમા હટાવ્યા બાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રાતે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.