For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય: ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ સહિત સર્વગ્રાહી વિકાસ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના

05:09 PM Mar 07, 2024 IST | Bhumika
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય  ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ સહિત સર્વગ્રાહી વિકાસ માટે “દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ ૧૦,૭૨૧ હેક્ટર વિસ્તાર માટે આ “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચનાને મંજૂરીની મહોર મારી છે.

Advertisement

અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુધર્મમાં ચાર પવિત્રધામ માનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત શંકરાચાર્યના મઠ અને અનેક મંદિરો સાથેનું આ તીર્થક્ષેત્ર ધાર્મિક નગરીની ખ્યાતી ધરાવે છે.દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે આસપાસના જોવાલાયક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા રહે છે.એટલું જ નહીં, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બેટ દ્વારકાને દ્વારકા સાથે જોડતા બે કિલોમીટરથી વધુની લંબાઈના સુદર્શન સેતુના લોકાર્પણથી વિશ્વભરના પ્રવાસીઓ માટે બેટ દ્વારકાની મુલાકાત પણ વધુ સુવિધાસભર બનાવી છે.

આ બે ધર્મસ્થાનો સાથોસાથ અરબી સમુદ્રના કિનારે અને દ્વારકાથી નજીક આવેલો સફેદ રેતી-વાઈટ સેન્ડ અને નિસ્તેજ સાફ પાણી સાથેનો રાજ્યનો એક માત્ર ‘બ્લુ ફ્લેગ બીચ’ શિવરાજપુર પણ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા જ સ્થાનોના પ્રવાસે આવનારા યાત્રાળુઓ, પર્યટકોને સલામત અને સુરક્ષિત વાતાવરણ સાથે સંતોષકારક અનુભવ મળે તેવા હોલિસ્ટિક એપ્રોચ સાથે આ સમગ્ર વિસ્તારમાં મૂળભૂત નાગરિક સુવિધાઓ તેમજ તેના યોગ્ય અને અસરકારક સંચાલનને પહોંચી વળવા યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા માટે "દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

Advertisement

આ સત્તામંડળના અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા સભ્ય તરીકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી, ચીફ ટાઉન પ્લાનર, દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ અને મેમ્બર સેક્રેટરી તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ૪ સભ્યો તથા જિલ્લા પંચાયતના પ્રમુખને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે નિયુક્ત કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આ “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અન્‍વયે વિકાસ યોજના-ડેવલપમેન્ટ પ્લાન પણ બનાવશે.

એટલું જ નહીં, આવી વિકાસ યોજનાઓથી પ્લાનિંગ પણ થઈ શકશે અને આ વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બાગ-બગીચા, ડ્રેનેજ જેવી વધુ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાશે. મુખ્યમંત્રીના આ અભિનવ નિર્ણયને પગલે આ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ સાથોસાથ વાણિજ્ય એકમોને પ્રોત્સાહન મળશે, નવા રોકાણોની સંભાવનાઓ વધશે અને રોજગારીની નવી તકો તેમજ આર્થિક વિકાસના નવા માપદંડો નક્કી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત આ ઓથોરિટીની રચના દ્વારા ધાર્મિકતા સાથે આધુનિકતાના સુભગ સમન્વયથી વિકાસમાં આગવું સ્થાન ઊભું કરવા પણ સક્ષમ બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement