For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફટકારની અસર: અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાં

03:50 PM Jul 03, 2025 IST | Bhumika
ફટકારની અસર  અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાં

એક પણ અધિકારી ઓફિસમાં ન બેસે, વિસ્તારોમાં જ રહે, મ્યુનિ. કમિશનરનો કડક આદેશ

Advertisement

શહેરમાં ડીઆઈપાઈપ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડના રોડ-રસ્તાઓની ઘોરખોદાઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરે શરત મુજબ ખોદકામ કરેલ ચરેડાઓ વ્યવસ્થિત પુરવાના હોય છે. પરંતુ કહેવા વાળુ કોઈ ન હોય કોન્ટ્રાક્ટરોએ પણ મનમાની કરી આડેધડ ચરેડાઓ અધકચરા પુરી દેતા સામાન્ય વરસાદમાં શહેરભરમાં ખાડાનું સામ્રાજ્ય છવાય ગયું છે અને ચારેય તરફથી ફરિયાદો ઉઠતા અંતે ગઈકાલે સ્ટેન્ડીંગમાં આ મુદ્દે અધિકારીઓનો કડક ભાષામાં સુચનાઓ અપાતા તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ ડે. કેમિશનરના સહિતના અધિકારીઓને ઓફિસમાં બેસવાના બદલે ફિલ્ડમાં ચાલુ વરસાદે પણ હાજર રહેવાનો આદેશ કરતા આજે તમામ વોર્ડમાં અધિકારીઓનો દળકટ ચાલુ વરસાદે ખાડા પુરવા સહિતની કામગીરીનું સુપરવિઝન કરતું જોવા મળ્યું હતું.
શહેરમાં આજ સુધીમાં હજુ કટકે કટકે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. છતાં સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તાઓનો કચ્ચરઘાણ બોલી જતાં છેલ્લા ઘણા સમયથી દરેક વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે.

જેમાં ખાસ કરીને ડીઆઈ પાઈપલાઈન માટે મુખ્ય માર્ગો અને શેરીઓગલીઓ પણ ખોદી નાખવામાં આવી છે. તેના પર સમયસર પેચવર્ક ન થતાં માટી ધોવાઈ જવાથી ચારો તરફ ખાડાઓ જ જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ભારે ઉહાપો બોલતા અંતે શાસકપક્ષે આળશ ખંખેરી ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં અધિકારીઓ સાથે સંકલન વખતે કડક સુચના આપી ઓફિસમાં બેસવાના બદલે કાલથી ફિલ્માં જવાનો આદેશ કર્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ ડે. કમિશનર સહિતના અધિકારીઓને રોડ-રસ્તાની મરમત તેમજ અન્ય કામો 15 દિવસમાં પુરા કરવા આજથી ચાલુ વરસાદે પણ ફિલ્ડમાં હાજર રહી કામગીરી નિહાળવાનો આદેશ આપતા આજે ત્રણેય ઝોન અને તમામ વોર્ડમાં ત્રણેય ડે.કમિશનર તેમજ સીટી ઈજનેર સહિતનો કાફલો અન્ય સ્ટાફ સાથે દોડી ગયો હતો અને પ્રથમ કોર્પોરેટરો અને લોકોની ફરિયાદો આવેલ તેવા વિસ્તારોમાં રોડ-રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

શહેરમાં ચોમાસાએ દસ્તક દીધી ત્યાં જ તમામ વોર્ડ અને વિસ્તાર ખાડાઓમાં ફેરવાઈ ગયું છે. આ વખતે વરસાદ વહેલો આવતા મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જેની સામે ડીઆઈ પાઈપલાઈનની કામગીરી સમયસર ન થતાં ચરેડાઓ પુરવાનું કામ ચાલુ ચોમાસે કરવાની ફરજ પડી હતી. જેના લીધે મોરમ ઉપર પેચવર્ક કામ ન થતાં મોટા ભાગના વિસ્તારોના ચરેડાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. જેના લીધે શહેરભરમાંથી ફરિયાદોનો ધોધ વહ્યો હતો અને અંતે તંત્ર દ્વારા આજે તમામવોર્ડમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રોડ રસ્તા સહિતના કામો ચાલુ વરસાદે થતાં હોવાની લોકોને પ્રથમ વખત જોવા મળ્યું હતું.

મનપામાં સૌથી વધુ જવાબદારી ડે. કલેક્ટરને સોંપવામાં આવેલ હોય આજે કલેક્ટર દ્વારા વોર્ડ નં. 7 માં સફાઈકામદારો સાથે મીટીંગ કરી બાંધકામ, ડ્રેનેજ, ગાર્ડન, મેલેરિયા, વિભાગ અંતર્ગત થતી કામગીરીની વિગતો મેળવી નિયમીત સફાઈ સહિતના પ્રશ્ર્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. તેવી જ રીતે વોર્ડ નં. 13 માં ગોંડલ રોડ ઉપર ભારત પેટ્રોલિયમની બાજુમાં બ્લોક નાખવાનું કામ તેમજ એચસીજી હોસ્પિટલ વાળા રોડ ઉપર મેટલ અને મોરમ સહિતનું કામ તેમજ વોર્ડ નં. 7 માં જૂના જાગનાથ શેરી નં. 7 માં ડિઆઈ પાઈપલાઈનના ચરેડામાં વેટમીક્સ કરવાનું કામ અને સર્વેશ્ર્વર ચોકમાં ડે. કમિશનરે કામગીરી નિહાળી હતી. તેવી જ રીતે ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. 15માં ડે. કમિશનરે તમામ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સુચના આપી હતી.

વોર્ડ નં. 12 માં ડીઆઈ પાઈપલાઈનની કામગીરી બાદ બાકી રહી ગયેલા કામની સમીક્ષા કરી સ્ટાફને ચરેડા પુરવા માટે લગાડવામાં આવ્યો હતો. વોર્ડ નં. 15માં એનએસઆઈસી રોડ તેમજ સત્યમ પાર્ક તથાં વોર્ડ નં. 2 માં બજરંગવાડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજના મેન હોલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. 11 ગોવિંદ બંગલોઝ રોડ તેમજ વોર્ડ નં. 1 માં વર્ધમાન નગર રોડ રિપેર કરવાની કામગીરી જેસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઈસ્ટઝોનમાં રામનાથ મહાદેવ મંદિર તેમજ આજી નદીમાં એકઠા થયેલ કચરાના નિકાલ માટે જેસીબી, હિટાચી મશીન અને ડમ્પર સહિતનો સફાઈ કામદારનો સ્ટાફ સ્થળે પહોંચી સફાઈ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે એક પણ અધિકારીને ઓફિસમાં ન બેસવાની સુચના આપતા તમામ અધિકારી સહિતનો કાફલો સાંજ સુધી ફિલ્ડમાં જ રહેશે તેમ જાણવા મળેલ છે.

ડીઆઈ પાઈપલાઈનની કામગીરી દરમિયાન અધિકારીની રહેલ ગેરહાજરી ભારે પડી
શહેરભરમાં ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થવામાં છે. પાઈપલાઈન નખાયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ ચરેડાઓ નિયમ મુજબ પૂરવાના હોય છે. પરંતુ ચરેડા પુરવાની તેમજ પથ્થર નાખ્યા બાદ પેચવર્ક સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે સીટી ઈજનેર તેમજ વોર્ડ ઓફિસર અને જે વિભાગને જવાબદારી સોંપાવમાં આવી હોય તે એક પણ અધિકારી આ સમયે હાજર ન રહેતા કોન્ટ્રાક્ટરે ચિરેરાઓમાં પ્રથમ પથ્થર અને ત્યાર બાદ માથે મોરમ પાથરી પાણી છાટ્યા વગર પેચવર્ક કામ કરી દેતા નવા વિસ્તારોમાં ખાસ કરીને આ પેચવર્ક કામ ધોવાઈ જતાં બુમારણ ઉઠી છે અને ભારે ચર્ચા જાગી છે. કે, કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગત હોય પેચવર્કની કામગીરી દરમિયાન સુપરવિઝન માટે એક પણ અધિકારી કે, કોર્પોરેટર સ્થળ પર ફરક્યા ન હતાં જેના લીધે કોન્ટ્રાક્ટરે મલાઈ તારવી નિયમ વિરુદ્ધનું પેચવર્ક કામ કરી નાખતા આજે અધિકારીઓને હવે ચાલુ વરસાદે ફિલ્ડમાં ઉપસ્થિત રહેવું પડ્યુ છે.

સૂચનાની અમલવારી કેટલા દિવસ? : ભારે ચર્ચા
શહેરભરમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયા બાદ જે વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે તે આજ સુધી ઉંઘતો રહેતા લોકોમાં દેકારો બોલી ગયો હતો અને ફરિયાદોનો મારો ચાલુ થતાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતાં લોકોનો રોષ ઠારવા માટે ગઈકાલે કોર્પોરેટરો અને પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર ઉપર દબાણ ઉભુ કરી ડે. કમિશનર સહિતનાને ફિલ્ડમાં ઉતારવાના આદેશ જારી કર્યા હતાં જેના લીધે મ્યુનિસિપલ કમિશનરે પણ પોતાની જવાબદારી ફિક્સ ન થાય તે માટે અધિકારીઓનું દળકટક આજે તમામ વોર્ડમાં ઉતારી દેવામાં ભલાઈ સમજી હતી જેના લીધે આજે ચાલુ વરસાદે પણ અધિકારીઓની ફોજ રોડ રસ્તા રિપેર કરી રહી છે. પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે પરંતુ આ સુચનાની અમલવારી અને આદેશની અસર કેટલા દિવસ સુધી રહેશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement