સંસદ ગૃહની અસર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ભરબજારે બાખડ્યા
બેનર સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ઝપાઝપી કરતા કોંગ્રેસ પ્રમુખ સહિતના બેની તબિયત લથડતા સારવારમાં
કેન્દ્ર સરકાર ના ગ્રહ મંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકર બાબતે કરેલા નિવેદન થી રાજકીય માહોલ ગરમાયો છે. અને ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષો સામ સામાં આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી નું સંસદ માં દંગલ, સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ દર્શાવી રહી છે, જેનો રેલો આજે જામનગર સુધી આવી પહોંચ્યો છે.
જામનગર શહેર ભાજપ દ્વારા આજે સાંજે બેનર પોસ્ટર સાથે ભાજપ કાર્યાલય થી રેલી કાઢીને ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચ્યા હતા. અને કોંગ્રેસ કાર્યાલય ની સામેના ભાગમાં રોડ પર સૂત્રોચારો કરવાનું શરૂૂ કર્યું હતું.
ઉપરાંત ભાજપ ના કેટલાક કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા નું દહન કરવામાં આવે તે પહેલા જ પોલીસે આ કાર્યક્રમ ને નિષ્ફળ બનાવ્યો હતો. બીજી તરફ ભાજપના આગેવાનો - કાર્યકરો દ્વારા રેલી કાઢીને કોંગ્રેસ હાય હાય , બાબાસાહેબ નું અપમાન નહીં સહેંગે જેવા સૂત્રોચાર કર્યા હતા. ત્યારે સામા પક્ષે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ એકત્ર થઈ ગયા હતા અને ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ સમયે બંને પક્ષના અમુક કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભ જાડેજા તેમજ 78- વિધાનસભા વિસ્તારના યુવક કોંગી પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા ની તબિયત લથડી હતી. આથી તેમને બન્નેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા. અને હાલ બંનેની સારવાર ચાલી રહી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ ના અનુસૂચિત મોરચા ના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા , મેયર વિનોદ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના હોદેદારો, અન્ય કોર્પોરેટરો, અને વિવિધ સંગઠન- મોરચાના અન્ય કાર્યકરો ઓ રેલી માં જોડાયા હતા.
ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ઘેડિયાએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરના નામે કોંગ્રેસ મગર ના આંસુ સારે છે. આ એ જ કોંગ્રેસ છે, જેણે બાબા સાહેબ નું અપમાન કર્યું છે. આથી કોંગ્રેસે માફી માગવી જોઈએ.
બીજી તરફ જામનગરના કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એવા વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ગુંડાગીરી નુ પ્રમાણ વધ્યું છે ભાજપ દ્વારા પૂતળા બાળવા માં આવે છે. છતાં પોલીસ તેની અટકાયત કરતી નથી .આજે પણ ભાજપે ગુંડાગીરીનું પ્રદર્શન કરતાં કોંગ્રેસના બે આગેવાનો ની તબિયત લથડી હતી અમે કોંગ્રેસ ગુંડાગીરી કરવામાં માનતા નથી .એટલે આ પ્રશ્ને કાનૂની કાર્યવાહી નો આશરો લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલયના દ્વારે સાંજના સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા અને હાથમાં બેનર પોસ્ટર તેમજ સૂત્રોચાર કરતાં પોલીસ ધંધે લાગી ગઈ હતી અને બંને જૂથને અટકાવવા ના પ્રયત્નો કર્યા હતા કેટલાક લોકો પણ આ સમરાંગણ જોઈને દંગ રહી ગયા હતા, અને વાહન વ્યવહાર થોડો સમય માટે થંભી ગયો હતો. ત્યારબાદ પોલીસે આખરે મામલો થાડે પાડ્યો હતો, અને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે હોસ્પિટલ તરફ પહોંચ્યા હતા, અને ભાજપના કાર્યકરો ત્યાંથી નીકળી જતાં સમગ્ર વિસ્તાર ને પોલીસે ખાલી કરાવી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.