For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરવામાં 13 કારખાનાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

04:33 PM Sep 28, 2024 IST | Bhumika
વીરવામાં 13 કારખાનાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Advertisement

લોધિકા તાલુકાના વીરવા ગામે મામલતદાર અને તેમની ટીમે ગઇકાલે શુક્રવારે અંદાજે રૂપિયા 5 કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાવ્યું હતું. લોધિકા તાલુકાના વિરવા ગામના વિરવાથી પાળ જવાના રસ્તે સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં. 71ની જમીન આશરે 4000 ચો.મી.માં જુદી-જુદી કુલ - 13 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનઅધિકૃત દબાણ કરાયું હતું. જેથી લોધિકા મામલતદાર રાજેશ ભાડ દ્વારા નોટીસ બજવણી કરી સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્જો દિન-5 માં ખુલ્લો કરવા જણાવ્યું હતું. જેથી વિરવા ગામે આશરે પ કરોડની કિંમતની આશરે 4000 ચો.મી. જેટલી સરકારી જમીન સ.નં. 71 પરનું દબાણ તા.27 સપ્ટેમ્બરના રોજ મામલતદાર લોધીકા અને ટીમ દ્વારા દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં સરકારી જમીનોમાં થતા દબાણ દૂર કરવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે ત્યારે લોધિકાના વીરવા ગામે મામલતદાર અને તેમની ટીમે અંદાજે રૂપિયા પાંચ કરોડની જમીન પરથી દબાણ દૂર કરાવ્યું હતું.

અત્રેએ ઉલ્લેખનીય છે કે, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાં અનેક મોટા કારખાનેદારોએ કારખાનાને લાગુ સરકારી ખરાબા દબાવી પાકા શેડ ખડકી લીધા છે અને વર્ષોથી આવા દબાણો ઉભા છે. કેટલાક કારખાનેદારોએ પાકા રોડ બનાવી લીધા છે તો કેટલાકે મજુરોની કોલોનીઓ બનાવી છે. આ સિવાય ભૂમાફીયાઓએ પણ સરકારી જમીનોમાં મોટા પાયે દબાણો કરી ઓરડીઓ ખડકી દીધી છે અને મકાનો ભાડે આપવાના ગોરખ ધંધા કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement