મુળી તાલુકાના શેખપર ગામે 1.5 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
મુળી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 30 ઓગસ્ટ, 2025ના રોજ સરકારી સર્વે નંબર 466/1/પૈકી 4 વાળી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
શેખપર ગામના ત્રણ વ્યક્તિઓ - સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરુભા પરમાર અને બળવંતસિંહ હેમુભા પરમાર દ્વારા આશરે 15 વર્ષ પહેલા આ સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવ શક્તિ હોટલનું ગેરકાયદેસર પાકું બાંધકામ કર્યું હતું.
તંત્ર દ્વારા આ બંને હોટલો ઉપરાંત બે પાનના ગલ્લા, પાકા તપરાના શેડ, પંચરની દુકાન અને એક કરિયાણાની દુકાન સહિતના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અંદાજે રૂૂપિયા એક કરોડ પચાસ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 15 વર્ષથી કરાયેલા આ ગેરકાયદેસર બાંધકામોની વસૂલાત માટેની કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી છે.