Ph.d. કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે, કોંગ્રેસના મહિલા કાર્યકરના આક્ષેપથી ખળભળાટ
સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા બે વર્ષથી પીએચડીની પરીક્ષા નહીં લેવાતા ગઈકાલે એન.એસ.યુ.આઈ.ના પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆત કરવા ગયેલી વિદ્યાર્થીનીએ કુલપતિ સમક્ષ એક ચોંકાવનારી રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆત માટે ગયેલી પીએચડીની છાત્રા આક્રોશભેર વી.સી.સમક્ષ રજૂઆત કરતાં સહતાથી જ બોલી ગઈ હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સબંંધ બાંધવા પડે છે એ તમને ખબર છે ?
પીએચડીની છાત્રાની આ રજૂઆતથી કુલપતિ તેમજ રજૂઆત કરવા આવેલા સૌ સ્તબ્ધ થઈ ગયા હતાં. પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાની રજૂઆત વચ્ચે અચાનક જ ગાઈડ દ્વારા થતા શોષણનો મુદ્દો ઉછળ્ક્ષો હતો અને આ મુદ્દો હવે રીતસર સળગ્યો છે. જો કે, આ અંગે તપાસ કરતાં ચોંકાવારૂ સત્ય ઉજાગર થયું હતું. કુલપતિ સમક્ષ ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે તેવી રજૂઆત કરનાર યુવતી પીએચડીની સ્ટુડન્ટ હતી જ નહીં. આ રજૂઆત કરનાર યુવતી એનએસયુઆઈની સુપર શી ટીમની સક્રિય સભ્ય હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલ આ મહિલા કાર્યકર ચેન્નઈ ગયેલ છે. જ્યારે આક્ષેપ કરનાર મહિલા કાર્યકરનો મોબાઈલ નંબર સતત નો રિપ્લાય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર યૌન શોષણનું કલંક લાગી ચુકયું છે. પરંતુ હાલ જે મુદ્દો ઉછળ્યો છે તે રજૂઆત દરમિયાન ઉછળ્યો છે. ત્યારે ફરી એક વખત ધમાસણ શરૂ થયું છે.
આક્ષેપો ગંભીર, યુવતી યુનિ.માં અભ્યાસ કરતી નથી: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રજૂઆત દરમિયાન એક યુવતીએ આક્ષેપ કરેલ છે તે ગંભીર છે જો કે, આ યુવતી હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી. યુનિવર્સિટીમાં આવી ફરિયાદ આવે ત્યારે મૌખીક કરતાં લેખિત રજૂઆત આવે તો વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા તેની તપાસ થતી હોય છે. આક્ષેપ કરનાર યુવતી સિસ્ટમમાં રજૂઆત કરે તો તપાસ થશે.