ટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ: ફરીથી તંત્ર ટ્રાફિક જામ અટકાવવામાં નિષ્ફળ, વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી લોકો ગરમીમાં ફસાયા
સમય મર્યાદા પુર્ણ થવા છતાં રાજકોટ- જેતપુર સિકસલેન હાઇ-વેની કામગીરી પુર્ણ નહી થતા દૈનિક હજારો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફીકમાં ફસાવું પડી રહ્યું છે. આ કામગીરી ઝડપી કરવા માટે હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે આગામી બે દિવસમાં હાઇવે પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
તાજેતરમાં હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા હાઇવે ઓથોરીટી કલેકટર કચેરી સહીતની જવાબદાર કચેરીઓમાં ઘેરાવ કરવામાં આવ્યો હતો અને કામગીરી ઝડપી કરવા અને કામપુર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેકસ નહીં ઉઘરાવવા માંગ કરી હતી છતાં પણ ટોલટેકસ ઉઘરાવવાનું બંધ નહીં કરતા હવે ચક્કાજામ કરવાનું હથીયાર ઉગામવામાં આવ્યું છે.
રાજકોટ-જેતપુર હાઇવે પર સતત ટ્રાફિક જામની સમસ્યા સામે તંત્ર નિષ્ફળ રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આજ રોજ ફરી એકવાર શાપર-વેરાવળ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લા કેટલાય સમયથી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગવી અને કલાકો સુધી વાહનચાલકો ફસાઈ રહેવી હવે રોજની સમસ્યા બની ગઈ છે. ગત રવિવારની રાત્રે તો ભરૂૂડી ટોલપ્લાઝા નજીક આખા ચાર કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસ અગાઉ જ જિલ્લા કલેક્ટરએ સમગ્ર હાઇવેની કામગીરીની સમીક્ષા કરી હતી અને ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા તથા બિસ્માર રસ્તાઓને લઇ તંત્રને જરૂૂરી સૂચનાઓ પણ આપી હતી. તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું ફરીવાર સાબિત થયું છે. છેલ્લા 3-4 મહિનાથી લોકો ટ્રાફિકની તીવ્ર સમસ્યાથી ત્રસ્ત છે.
રાહદારીઓ, કામદારો અને રોજીંદા મુસાફરી કરનારા માટે આ રસ્તો દુ:ખદ યાત્રા સમાન બની ગયો છે. હાઇવે હક્ક આંદોલન સમિતિ લાંબા સમયથી રવાના માર્ગોની બિસ્માર હાલત, ટોલ વસુલાતમાં ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાપનના અભાવના મુદ્દાઓને લઇ સતત અવાજ ઉઠાવતી રહી છે. પરંતુ તંત્ર અને સરકારના ખોખલા દાવાઓ, ખોટી જાહેરાતો અને ભ્રમજનક ભાષણો જનતાને વધુ પડતા ગુસ્સે તરફ દોરી રહ્યા છે. હાઇવે હક્ક આંદોલન સમિતિ હવે નવા જૂનીના મૂડમાં છે.સૂત્રોની માહિતી અનુસાર હાઇવે ચક્કાજામ આવનાર બે દિવસમાં કરીને લોકોની સમસ્યાનો આક્રોશ તંત્ર સામે ઠાલવશે.
કલેકટરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી’તી
ગંભીરા બ્રિજની ઘટના બાદ અને હક્ક આંદોલન સમિતિએ વિરોધ કરતા જવાબદાર અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે. સીએમએ લાલ આંખ કરતા રાજકોટ જિલ્લા કલેકટર રાજકોટ- જેતપુર હાઇવેની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને ખાસ કરીને કામગીરી દરમ્યાન ટ્રાફિક ન થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી.