હવે આવી ઘટના બની તો SNKની માન્યતા રદ: DEO
કારણ દર્શક નોટિસ ફટકારી શાળા મેનેજમેન્ટને જિલ્લા શિક્ષણાધિકારીની તાકીદ
યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કુલમા ધો-6ની વિદ્યાર્થિનીઓની ધો-11 ની વિદ્યાર્થિનીઓ દ્વારા બસમા પજવણી કરવાની ઘટના બનતી હોવાનો વિડિયો વાઇરલ થતા શહેરભરમા આ ઘટના ચર્ચામા આવતા ખળભળાટ મચી ગયો હતો અને આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એસએનકે શાળાને નોટીસ ફટકારી ભવિષ્યમા હવે આવી ઘટના બનશે તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામા આવશે તેવી તાકિદ કરવામા આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ કે બે-ત્રણ દિવસ પહેલા એસએનકે શાળાની બસમાં ધો. 6 ની ત્રણ વિદ્યાર્થિનીની ધો. 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા પજવણી કરવામા આવતિ હોવાનો વિડિયો અમારી સામે આવ્યો હતો જો કે આ બાબતે પિડિત છાત્રાના વાલી દ્વારા કોઇ પણ જાતની ફરિયાદ કરવામા આવી નથી પરંતુ આ ઘટના ગંભીર હોવાથી એજયુકેશન ઇન્સ્પેકટરની અધ્યક્ષતામા એક તપાસ કમિટીની રચના કરી તપાસ સોંપવામા આવી છે.
વધુમા શિક્ષણાધિકારીએ કહ્યુ હતુ કે આ ઘટના બાબતે હાલ એસએનકે શાળાના મેનેજમેન્ટને કારણ દર્શક નોટીસ ફટકારવામા આવી છે અને તેનો ખુલાસો આપવા આદેશ કરવામા આવ્યો છે. ઉપરાંત ભવિષ્યમા જો આ પ્રકારની ઘટના બનશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામા આવશે. આ તાકિદથી સમગ્ર શહેરમા ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાએ ભોગ બનનાર અને પજવણી કરનાર વિદ્યાર્થિનીઓની બસ અલગ - અલગ કરી નાખવામા આવી છે. તેમજ પિડિતાના પિતાએ પણ સમાધાન થયુ હોવાનુ જણાવ્યુ છે. આ પ્રકરણમા શાળાને કલીનચીટ મળી હોવાનુ શહેરભરમા ચર્ચાઇ રહયું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ માત્ર નોટીસ અને તાકિદ કરી કોઇ કાર્યવાહી નહી કરતા અન્ય શાળાઓને કોઇ પણ ડર નહી રહે તેવો સુર છાત્ર સંગઠોમા ઉઠયો છે અને વાલીઓમા પણ અંદર ખાને રોષ જોવા મળી રહયો છે તેમ વિદ્યાર્થી નેતાઓમા ચર્ચાઇ રહયુ છે.
SNKમાં પજવણી મુદ્દે CYSSના DEO ચેમ્બરમાં ધરણાં: પોલીસે ટીંગાટોળી કરી
એસએનકે શાળામા સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા ધો - 6 ની છાત્રોની પજવણી કરવામા આવતી હોવાની ઘટનામા ડીઇઓએ માત્ર શાળાને નોટીસ ફટકારતા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમા ન્યાયીક કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કરવામા આવ્યો હતો અને અધિકારીની ચેમ્બરમા ધરણા, સુત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા વિદ્યાર્થી કાર્યકર્તાઓની ટીંગાટોળી કરતા ઘર્ષણ થયુ હતુ વિરોધ કરનાર 1પ વિદ્યાર્થી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી છે.