કલેક્ટરના ખોટા નિર્ણયથી કોઇને જેલમાં ધકેલી દેવાય તો વળતર આપવું પડે
લેન્ડ ગ્રેબિંગના કેસમાં હાઇકોર્ટ આકરા પાણીએ, સરકારે બે દિવસની મહેતલ માગી
લેન્ડ ગ્રેબિંગના કાયદાના દુરૂૂપયોગની ચાડી ખાતો એક ચોંકાવનારો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પીડિત અરજદારને કલેક્ટરના ખોટા અભિપ્રાયના આધારે લેન્ડ ગ્રેબિંગમાં દોષિત ઠરાવી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય અયોગ્ય હોવાની દલીલ સાથે હાઇકોર્ટ સમક્ષ મામલો પહોંચ્યો હતો. જે કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારની દલીલો અને કલેક્ટરના સોગંદનામા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને ઉધડો કાઢતા કહ્યું હતું કે,થજે વ્યક્તિને કલેક્ટરના ખોટા નિર્ણયના લીધે સાત દિવસ કોઇ દોષ વિના જેલમાં રહેવું પડ્યું હોય તો એના નુકસાનની ભરપાઇ સરકાર કે કલેક્ટર કઇ રીતે કરી શકશે?
શું કલેક્ટર એના ખિસ્સામાંથી અરજદારને વળતર ચૂકવશે? કલેક્ટરને સાઇડ પર મૂકી દો તો સરકારી અધિકારી તરીકે કલેક્ટરની ભૂલ બદલ રાજ્ય સરકારે વળતર આપવું જોઇએ. રાજ્ય સરકારે આ મામલે બે દિવસની મહેતલ માગતા કેસની વધુ સુનાવણી બુધવારે રાખવામાં આવી છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સુનાવણીમાં એવી વેધક ટકોર કરી હતી કે, લેન્ડ ગ્રેબિંગના કાયદાના કેસમાં આવી શંકાઓ અમારી સમક્ષ રજૂ થઇ હતી. આ કાયદાના દુરૂૂપયોગનો ભય પણ હતો. એક વ્યક્તિને જેલમાં મોકલી દેવાથી તેના મૂળભૂત અધિકારોનો રાજ્યના અધિકારી દ્વારા ભંગ કરાયો છે. તમે કોઇ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર આવી રીતે તરાપ મારી શકો નહીં. શું આ મામલે કોઇ વ્યક્તિને જેલમાં મોકલી દેવાયો હોય તો તેને વળતર ચૂકવવું પડે.
અમે તમને બિનશરતી માફી માગવા માટે એક વધુ તક આપીએ છીએ. તો શું તમે એ વ્યક્તિને કોઇ પણ રીતે ભરપાઇ કરી શકશો. તમે જવાબદારી લો અને કલેક્ટરે જે ભૂલ કરી છે એના માટે સરકારે અરજદારને વળતર ચૂકવવું જોઇએ. સરકારનો શું પ્રસ્તાવ છે એ અમારી સામે મૂકો.
સોમવારે આ મામલે કલેક્ટર તરફથી એક સોગંદનામું સરકારે કર્યું હતું અને એમાં કલેક્ટરે તેમની વર્તણૂકને વાજબી ઠરાવતી દલીલો કરી હતી. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે,થકમિટીએ લેન્ડ ગ્રેબિંગ માટે અરજદારને દોષિત ગણ્યો હતો અને પોલીસ ફરિયાદ તેની સામે નોંધી હતી કેમ કે તેણે લીઝ એગ્રિમેન્ટ રિન્યૂ કરાવી નહોતી. એનો મતલબ કે કલેક્ટર કાયદાથી વાકેફ જ નથી. કેમ કે લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ થઇ કે નહીં એ મામલો લેન્ડ ગ્રેબિંગના કાયદાની અન્વયે આવતો જ નથી. લેન્ડ ગ્રેબિંગમાં ખુદ અમારો(હાઇકોર્ટનો) ચુકાદો સ્પષ્ટ છે કે જે સંપત્તિમાં ગેરકાયદેસર રીતે કોઇ વ્યક્તિએ દબાણ કરી લીધું હોય તો લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગુ થાય. જમીન કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના લીઝ અને રેન્ડ એગ્રીમેન્ટના વિવાદો સંબંધિત કોર્ટની હકૂમત ક્ષેત્રનો વિષય છે, લેન્ડ ગ્રેબિંગનો નહીં.
ખંડપીઠે ટકોર કરી હતી કે,થજમીન કે મકાન માલિક તેની પ્રોપર્ટી ખાલી કરાવવા માટેની કાર્યવાહી કરી શકે. પરંતુ કલેક્ટરનું સોગંદનામું આ મામલે કહે છે ઉક્ત કારણો હોવા છતાંય અમે અરજદારને દોષિત ઠરાવ્યો છે. આ રીતે તે પોતાના નિર્ણયને વ્યાજબી ઠરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરકારની દલીલો અહીં કોઇ કામની જ રહેતી નથી, જ્યારે ખુદ કલેક્ટર આ રીતે સોગંદનામું કરે. સરકાર તરફથી દલીલ કરાઇ હતી કે જો કલેક્ટર દ્વારા માફી માગવામાં આવે તો પછી જે ભૂલ થઇ છે એને આદેશમાં નોંધવાની જરૂૂર નથી.
કોઇને જેલમાં મોકલીને ભૂલ થઇ ગઇની દલીલ ન કરાય
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, જો લેન્ડ ગ્રેબિંગ માટેની કમિટીને કાયદાની જાણ ન હોય તો તેમણે ધ્યાન રાખવું જોઇએ કે તેઓ સિવિલ કોર્ટ નથી. કલેક્ટર સામાન્ય વ્યક્તિ નથી, તેને કાયદાની જાણ તો હોવી જ જોઇએ. લેન્ડ ગ્રેબિંગનો કેસ બને છે કે કેમ એટલી જાણ તો તેમને હોવી જોઇએ. આ એવી વાત નથી કે તમે તમામને જેલમાં મોકલી દો અને કહો કે ભૂલ થઇ ગઇ.
કાયદાના શાસનની સ્થાપના અમારી જવાબદારી: હાઇકોર્ટ
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, કાયદાના શાસનની સ્થાપના થાય એ સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. આવું ફરીથી થવું જોઇએ નહીં અને કોઇને પણ આવી રીતે જેલમાં ધકેલી દેવાનું ચલાવી લેવાશે નહીં. આ અત્યંત ગંભીર ભૂલ છે. જે વ્યક્તિને તમે જેલમાં ખોટા નિર્ણયના લીધે રાખ્યો છે એના પર શું વીતી હશે એનો અંદાજ લગાવી શકો? એ સામાન્ય વ્યક્તિને થયેલા નુકસાનની તમે કઇ રીતે ભરપાઇ કરી શકો?