શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?
જીજ્ઞેશ મેવાણીને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવવાનો પણ વ્યૂહ
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના મોટા આગેવાનોની આશરે 3 કલાક લાંબી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની અત્યારની પરિસ્થિતિ, શક્તિસિંહ ગોહિલના રાજીનામાની વાત, ને શહેર-જિલ્લાના નવા પ્રમુખોના વિરોધ સહિત આગામી આયોજન પર મનોમંથન થયું હતું.
આ બેઠકમાં કોંગ્રેસના પ્રમુખપદ માટે બે નામ નક્કી કરવામાં આવ્યા છે: એક તો આપણા શક્તિસિંહ ગોહિલ ને બીજું નામ છે અમિત ચાવડાનું! બેઠકમાં શક્તિસિંહ ગોહિલને મનાવવાના ખુબ પ્રયાસો થયા, કે તેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે ચાલુ રહે. પણ જો શક્તિસિંહ ગોહિલ પોતાના રાજીનામાની વાત પર અડગ રહેશે, એટલે કે નહીં જ માને, તો પછી નવા પ્રમુખ તરીકે અમિત ચાવડા ફરીથી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે, એવી પાકી ચર્ચા ચાલી રહી છે! અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો વિધાનસભા વિરોધપક્ષના નેતા જીજ્ઞેશ મેવાણીને બનાવવામાં આવી શકે છે.
આ સિવાય પ્રમુખપદ માટે ઓબીસી નેતા ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર, જગદીશ ઠાકોર, તેમજ પાટીદાર સમાજમાંથી વિરજીભાઇ ઠુંમર, પરેશ ધાનાણી વિગેરેને દાવેદાર માજવામાં આવે છે. કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી પટેલ પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની રેસમાં દાવેદાર મનાય છે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યકારિણીમાં રાહુલ ગાંધીએ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતની જવાબદારી લેવાની જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવાની છે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલ જોડાયા હતા. સૂત્રોએ કહ્યું કે, રાહુલ ગાંધીને ધીમે ધીમે ગુજરાતની વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો છે. બેઠકમાં તેમની સમક્ષ થયેલી જ્ઞાતિ આધારિત રજૂઆતોથી એવો સંદેશો ગયો છે કે, તમામ આગેવાનો સમાજ કે જ્ઞાતિ-જાતિની રજૂઆત કરે છે, પરંતુ તેઓ તેમના જ સમાજ પર કોઈ ખાસ પકડ ધરાવતા નથી. એટલું જ નહીં, કોઈ આગેવાને કોંગ્રેસના પીઢ કે સર્વસ્વીકૃત નેતાને પ્રમુખની જવાબદારી સોંપો તેવું કહ્યું જ નથી!