વડાપ્રધાન મોદી આદિવાસીઓના હમદર્દ હોય તો મહુડાનો દારૂ-મરઘો પ્રસાદમાં લેવા જોઇએ: વસાવા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં વસાવાએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભરૂૂચના નેત્રંગમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ ભીડ જોઈને તાનમાં આવી ગયેલા આપના ધારાસભ્યે જે નિવેદનો કર્યાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
નેત્રંગની રેલીમાં આપના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકારતા કહ્યું હતું કે, વડાપ્રધાનને જો ખરેખર આદિવાસીઓ પ્રત્યે હમદર્દી હોય તો તેમણે મહુડાનો દેશી દારુ પીવો જોઈએ અને મરઘો કાપીને ત્યાં જ તેનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ.
પોતાને આદિવાસીઓના હિતેચ્છુ હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીના આ ધારાસભ્યે ત્યાં સુધી નિવેદન કરી દીધું કે, આદિવાસીઓને ન્યાય નહીં મળે તો અમે નેપાળની ઘટનાનું પુનરાવર્તન કરીને ગાંધીનગર સુધી પહોંચી જઈશું, તે દિવસે તમારી સાથે અમારો સામનો થશે, એ દિવસે તમને ખબર પડશે.
આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ દોશીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું કે, ચૈતરભાઈ આદિવાસીઓના આક્રમક નેતા છે એટલે તેમણે આ રીતે વાત કરી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલે પણ નેતંત્રની એ રેલીને જોશપૂર્વક સંબોધન કર્યું હતું. જોકે ત્યારબાદ મનીષભાઈએ તરત વાત અલગ દિશામાં વાળીને ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
બિરસા મુંડાની 150મી જન્મજયંતી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં હતા ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ નેત્રંગમાં એક જન્મજયંતી કાર્યક્રમમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા અને આગામી દિવસોમાં ગાંધીનગરમાં નેપાળની ઘટનાનું પુનરાવર્તન કરવાની ધમકી આપી. આદિવાસી પરંપરાઓનો ઉલ્લેખ કરીને, તેમણે માત્ર વડા પ્રધાનપદની ગરિમાને જ નબળી પાડી નહીં પરંતુ તેમના સમર્થકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો. ધારાસભ્ય તરીકે, ચેતર વસાવ ફક્ત તેમના ઘમંડને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે.