ખેડૂતોને વળતર અંગે કોઇ ફરિયાદ આવી તો અધિકારી સામે ચર્ચા વગર જ સીધા પગલાં ભરાશે
સુરતના લસકાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય (સહાય) આપ્યો છે, અને જો એકપણ ખેડૂત તરફથી વળતર યોગ્ય રીતે કે સમયસર ન મળ્યાની ફરિયાદ આવશે, તો જવાબદાર અધિકારી સામે કોઈપણ ચર્ચા વિના કડક પગલાં લેવામાં આવશે.
સુરતના લસકાણામાં આયોજિત એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના વહીવટી અધિકારીઓને પાક નુકસાન સહાય પેકેજના અમલીકરણ અંગે સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે વાત કરતા, તેમણે વહીવટીતંત્રને સખત સૂચનાઓ આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને ઝડપી ન્યાય આપ્યો છે અને તે સહાય ખેડૂતો સુધી પૂરેપૂરી પહોંચવી જ જોઈએ. તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું, અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. જો એકપણ ખેડૂતની ફરિયાદ આવશે કે તેને નુકસાનનું વળતર યોગ્ય રીતે કે સમયસર મળ્યું નથી, તો પછી કોઈ વાત નહીં થાય, જવાબદાર અધિકારી સામે સીધા જ કડક પગલા ભરવામાં આવશે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા બે દિવસથી ગ્રામપંચાયત કચેરી બહાર લાઈનોમાં ઊભા રહેવા છતાં સરકારી ઓનલાઈન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ફોર્મ ભરી શક્યા નથી. ગામના ટઈઊ (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) ના મતે, સર્વર ચાલે તો પાંચ મિનિટનું કામ છે, પરંતુ હાલ પાંચ કલાક લાગી જાય છે. ખેડૂતો રાત સુધી રાહ જોવા છતાં ફોર્મ ન ભરાતા આક્રોશિત છે.