ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામેગામ આંદોલન: ચાવડા
દ્વારકા ખાતે કોંગ્રેસ આયોજીત ‘ખેડૂત આક્રોશ યાત્રા’નું સમાપન
ગુજરાતના ખેડુતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂૂઆત કરવામાં આવી હતી આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું.
જનસમારોહને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે, પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે અને 10 હજાર કરોડના પેકેજના નામે ખેડૂતને પડીકું આપવામાં આવ્યું છે,જે સરકારની ખોટી નીતિ અને નિયતનું પ્રતીક છે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2014 પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો, ખેડુતોની આવક બમણી કરીશું. પરંતુ ત્રણવાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી ન થઈ, પરંતુ તેમના દેવા જરૂૂર બમણા થઈ ગયા. વધુમાં ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂૂપિયાની લોન લીધી છે, જે મુજબ દરેક ખેડૂતના માથે 56 હજારનું દેવું છે. ત્યારે 56 ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂૂપિયા માફ કરી દીધા, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા ક્યારે માફ થશે?
અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોની દેવા માફીની અંગે કોઈ નિર્ણય લીધો નહીં, તો રાજ્યના 18 હજાર ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે, તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક્ક અને ન્યાય માટે વિધાનસભા પહોંચશે. ખેડૂતોના ન્યાય માટે લાઠી ખાવી પડે કે ગોળી કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલી લાઈનમાં ઉભા રહેશે નવા અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળવાનો નથી, એમ તેમણે કહ્યું. સીએલપી નેતા ડો. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેના માટે યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. આ પેકેજ પૂરતું નથી.
વધુમાં, પેકેજ જાહેર થયા બાદની કેબિનેટ બેઠકના એજન્ડામાં પણ પેકેજની ચર્ચા ન થઈ, એટલે આ પેકેજ ખેડૂતોને ક્યારે મળશે તે એક ધારાસભ્ય તરીકે મને પણ ખબર નથી. આ સભામાં સીએલપી નેતા ડો. તુષારભાઈ ચૌધરી, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ ભાઈ આંબલિયા, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા.