ભાવનગરમાં સગીર વાહન ચલાવતા ઝડપાશે તો વાલી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે: પોલીસ
સંચાલકોને વાલીઓના ગ્રુપમાં પરિપત્ર વાઇરલ કરવા સૂચના
ભાવનગર શહેરની શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ પોતાની પાસે લર્નિંગ લાઇસન્સ પણ ન હોય તેમ છતાં મોપેડ, સ્કૂટર કે બાઈક લઈને શાળા અથવા કોલેજે આવતા હોય છે. જે મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો બને છે.
ભાવનગરમાં શાળામાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ વગર લાયસન્સે મોપેડ, સ્કૂટર કે બાઈક લઈને અવરજવર કરતા હોવાનું ધ્યાન પર આવેલું છે. જેથી તેઓના વાલીઓને આ ગંભીર ગુના બાબતની સમજ આપવી અન્યથા વાહન ચેકિંગ દરમિયાન શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના વગર લાઇસન્સ ટુ વ્હિલરના વાહન સાથે પકડાશે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ સગીર બાળકના વાલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ તાકીદ કરવામાં આવી છે.
આ ખૂબ જ ગંભીર બાબત છે આથી ભાવનગરની શાળા અને કોલેજમાં મેનેજમેન્ટ વતી વિદ્યાર્થીઓના વાલીઓને જરૂૂરી સૂચનાઓ આપવા માટે શાળાઓમાં વર્ગોમાં વોટસએપ ગ્રુપ કાર્યરત હોય છે જેથી વાલીઓના વોટસએપ ગ્રુપમાં આ પરિપત્રની પ્રસિદ્ધિ કરવા ખાસ સૂચના ભાવનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. પટેલે આપી છે.
આ પરિપત્ર મુજબ શાળા અને કોલેજોમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવી તેમજ શાળામાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને મોપેડ, સ્કૂટર કે બાઈક લઈને અવરજવર કરતા હોવાનું ધ્યાન પર આવેલું છે. જેથી આ તાકીદ કરાઇ છે.
