ખેડૂતોને હેક્ટરદિઠ પગાર ચૂકવે તો ઉઘાડા પગે CMનો આભાર માનીશ
આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂૂપિયાની તાત્કાલિક સહાય, ખેડૂતોના દેવા માફી અને ખેતીમાં ભાગ રાખનાર મજૂરોને પણ વળતર ચૂકવવાની માંગણી કરશે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છેકે, સાંજ સુધીમાં ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50 હજાર રૂૂપિયા સરકાર ચૂકવશે તો હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ.
આમ આદમી પાર્ટી દ્વારા 1 થી 3 નવેમ્બર સુધી ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ માવઠાના મારથી પરેશાન ખેડૂતો મુદ્દે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે. આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન થયું છે. કપાસ, મગફળી સહિતના વિવિધ પાક વાવતા ખેડૂતોને નુકસાન થયું છે. આ નુકસાન થયા પછી ખેડૂતોની માંગણી છે કે તેમના દેવા માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, કેટલાક ખેડૂતોનો માવઠાના કારણે પાક ધોવાઈ ગયો છે અને જે ખેડૂતે રવિ પાકનું વાવેતર કર્યું હતું, તેમાં પણ નુકસાન થયું છે આ રીતે ખેડૂતોને ત્રણ રીતે નુકસાન થયું છે. ત્યારે અમે ખેડૂતોને વહેલામાં વહેલી તકે કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખી રીતે જેવી રીતે પંજાબની સરકાર હેક્ટર દીઠ રૂૂપિયા 50,000 અને એકર દીઠ રૂૂપિયા 20,000ની સહાય આપે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરીએ છીએ.