ઇટાલિયા ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપીશ : અમૃતિયા
મોરબીથી 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચી વિધાનસભાના પગથીયે પડાવ નાખી ઇટાલિયાની રાહ જોઇ પરત ફર્યા
મોરબી માંથી આજે 150ના કાફલાથી વધુ કાર સાથે કાર્યકરો ને સમર્થકો સાથે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેના સમર્થકો એ ધારાસભ્ય કાંતિભાઈને હારતોરા કરી ધામધૂમથી વાજતે ગાજતે કાંતિભાઈના પોસ્ટરો સાથે વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચ્યા હતા મોરબીમાં જન આંદોલન બાદ શરૂૂ થયેલ રાજીનામાં ચેલેન્જમાં રાજ્યભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેવામાં આજે ધારાસભ્ય કાંતિલાલ મોરબીથી મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગાંધીનગર ખાતે વિધાનસભા જવા નીકળ્યા હતા. જ્યાં તેઓ વિધાનસભાના પગથિયે પડાવ નાખી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી.જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા આ મામલે ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું કે ગોપાલભાઈ ભલે અત્યારે ન આવ્યા, પણ તેઓ જ્યારે કહેશે ત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું.
હાલ ધારાસભ્ય કાંતિલાલ અને તેમના સમર્થકો પરત આવવા રવાના થયા છે. મોરબીમાં જન આંદોલનો થયા બાદ જોત જોતામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા વચ્ચે રાજીનામાં ચેલેન્જ શરૂૂ થઈ હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલે ગોપાલ ઈટાલીયાને ચૂંટણી લડવા આવે તો તેઓ રાજીનામું આપી દેશે અને માથે બે કરોડનું ઈનામ આપશે. તેવી ચેલેન્જ આપી હતી આ ચેલેન્જ ગોપાલ ઈટાલીયાએ સ્વીકારી હતી. બાદમાં ધારાસભ્ય કાંતિલાલે સોમવારે તેઓ બન્ને રાજીનામું આપે તેવું આહવાન કર્યું હતું. જે મુજબ ધારાસભ્ય કાંતિલાલ આજે વિધાનસભા ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રાહ જોઈ હતી. પરંતુ ગોપાલ ઇટાલીયા આવ્યા ન હતા. આમ રાજીનામાં ચેલેન્જનો અંત આવ્યો છે. આ દરમિયાન વિધાનસભા ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ મામલે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હજુ તેઓ પાસે આ વિષય આવ્યો નથી. ઉપરાંત તેઓએ સલાહ આપી હતી કે બંને ધારાસભ્યોએ પોતાનું કામ કરવુ જોઈએ.