આસમાનો મેં ઉડને કી આશા: પડકારોને પાર ખેડી પાઈલટ બનવાની સફર
કોમલ બા જાડેજાએ નીટની પરીક્ષા પાસ કરવા છતાં મેડિકલના બદલે પાઇલટનું પડકારજનક ક્ષેત્ર પસંદ કર્યું
કોમલ બા જાડેજા પોતાના નામ પ્રમાણે દેખાવમાં કોમળ છતાં મક્કમ મનોબળ ધરાવે છે જેના દ્વારા તેઓએ સિધ્ધ કર્યું છે પાઇલટ બનવાનું સ્વપ્ન
રીલીઝિંગ કેડેટ કોમલ ફોર હર ફર્સ્ટ સોલો ફ્લાઇટ વાદળોની વચ્ચે આ એનાઉન્સમેન્ટ સાંભળતા જ તેણી ખુશીથી ઝૂમી ઊઠે છે. મોં પર સફળતાનું સ્મિત આવી જાય છે અને જાણે દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી હોય તેવો અહેસાસ થાય છે કારણકે વર્ષોથી જોયેલું સ્વપ્ન આજે સાકાર થયું છે,માતા-પિતાએ મૂકેલો વિશ્વાસ આજે ખરો ઉતર્યો છે અને પોતે નક્કી કરેલ ધ્યેય પાર પડ્યું છે. પાઈલટ પોતાના સોલો ફ્લાઇટ લઈને પહેલી ઉડાન ભરે ત્યારે આ એનાઉન્સમેન્ટ થતું હોય છે.આ વાત છે રાજકોટના કોમલ બા જાડેજાની કે જેઓએ પાઇલટ બનવા માટેના દરેક કપરાં ચઢાણ પાર કર્યા છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે ત્યારે મહિલા પાઈલટ પણ ઘણા છે પરંતુ જે રીતે કોમલ બા જાડેજાએ વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ પોતાનું છે ધ્યેય પ્રાપ્ત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.
જન્મ અને અભ્યાસ રાજકોટમાં થયા. રાજકોટની એસએનકે સ્કૂલમાં શાળાકીય અભ્યાસ દરમિયાન બીજા ધોરણ થી જ પાઈલટ બનવાનું સ્વપ્ન આંખમાં અંજાયું. અભ્યાસથી લઈને દરેક પ્રવૃત્તિમાં અવ્વલ કોમલ બા જે ક્ષેત્રમાં જશે તેમાં સફળતા પ્રાપ્ત કરશે જ તેવો શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોનો વિશ્વાસ તેઓએ સાબિત કરી દેખાડ્યો. માતા હંસીની બા જાડેજા અને પિતા રઘુરાજસિંહ જાડેજાએ ત્રણે સંતાનોને ઉડવા માટે આકાશ આપ્યું છે.
મોટી દીકરી ડોક્ટર છે, દીકરો ક્રિકેટર છે અને કોમલ બા પણ ભણવામાં તેજસ્વી હતા એટલે જ્યારે નીટની પરીક્ષામાં પાસ થયા ત્યારે બધા વિચારતા હતા કે મેડિકલમાં જઈને તેઓ ડોક્ટર બનશે પરંતુ કોમલ બાનું સ્વપ્ન કંઈક જૂદું જ હતું. તેમને તો આંબવા હતા ઊંચા આકાશને અને પહોંચવું હતું વાદળોની ગોદમાં.દીકરીને દરેક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપતા માતા-પિતા દીકરીના એવિએશનમાં જવાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. દીકરીના ભવિષ્યની ચિંતા કરતા માતા હંસીની બાએ તેમાં ઉદાસીનતા દેખાડી પરંતુ કોમલ બા પોતે એટલા મક્કમ હતા કે દરેક રીતે તેમણે માતા-પિતાને મનાવી લીધા. એવિએશનનું ક્ષેત્ર જેટલું આકર્ષક છે એટલું જ અઘરું પણ છે.તેના અભ્યાસની ઊંચી ફીઝ, ઉપરાંત ફિઝિકલી ફિટ રહેવા સાથે મેન્ટલી પણ બેલેન્સ રહેવું જરૂૂરી છે. વિમાન ઉડાડવાનો શોખ હોવો અલગ વસ્તુ છે જ્યારે ખરેખર કોકપિટમાં પ્રવેશો અને તમે એકલા હો ત્યારની પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી.
પોતાના અનુભવ વિશે વાત કરતા કોમલ બા એ જણાવ્યું કે મારી ફર્સ્ટ સોલો ફ્લાય મેમોરેબલ હતી જેનું વર્ણન શક્ય નથી પણ પાઇલટનું કામ ધારીએ તેટલું સહેલું હોતું નથી. હજારો ફૂટ ઉપર આકાશમાં અનેક મુસાફરોને લઈને જતાં હો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. કોઈપણ પરિસ્થિતિ માટે તમારે તૈયાર રહેવું પડે છે.મેન્ટલ પ્રેશર પણ હોય છે. તમે ફ્લાઈંગ સ્ટાર્ટ કરો તે પહેલા ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને બ્રીફિંગ સ્ટ્રોંગ હોવું જરૂૂરી છે.50% ટ્રેનિંગ અને 50% તમારી સૂઝ મદદ કરે છે.
પોતાના નામ પ્રમાણે જ નાજુક દેખાવ હોવા છતાં અંદરથી તેઓ મજબૂત છે. અનેક મેલ કેડેટ ઉડાન ભરતી વખતે નર્વસ થઈ જાય છે, ઘણા ટ્રેનિંગ અધૂરી મૂકીને જતા રહે છે ત્યારે કોમલ બાએ પાઇલટ બની બતાવ્યું છે. સંઘર્ષની વાત યાદ કરતા તેઓ જણાવે છે કે, એવિએશનમાં આવનાર સ્ટુડન્ટના પરિવારજનો એવિએશનમાં હોય એટલે તે ઇન્સ્પાયર થઈને આવતા હોય છે અને મારા માટે દરેક પગલે નવો પડકાર હતો.જરૂૂરી માહિતી મારે જાતે મેળવવી પડતી અને જાતે જ મોટિવેટ થવું પડતું. આ બધા સાથે કોવિડનો સમય પણ સંઘર્ષ લાવ્યો. ઓનલાઇન ક્લાસીસ હતા, દોઢ વર્ષ બધું બંધ રહ્યું અને ત્યારબાદ એક સાથે બધી જ પરીક્ષાઓ આપી તે ખરેખર કઠિન સમય હતો. આજે ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે ત્યારે એ સમયે માહિતીના અભાવના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એક સમયે મેડિકલ ફિલ્ડમાં જવા માટે આગ્રહ કરતાં માતા-પિતાને કોમલ બાએ 5000 ફૂટની ઊંચાઈએથી વીડિયો કોલ કરીને વાદળો વચ્ચેની દુનિયા બતાવી ત્યારે માતા-પિતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.બધા આજે કોમલબાની પાઈલટ બનવાની સિદ્ધિથી ખૂબ જ ખુશ છે અને મજાકમાં પૂછતા હોય છે કે અમને ક્યારે ફ્લાઇટમાં લઈ જઈશ. પાઈલટ બનવું તે તેમનું પેશન હતું અને આજે પણ તેમના માટે ડેસ્ટિનેશનનું મહત્ત્વ નથી પરંતુ જર્ની મહત્વની છે. કોમલ બા જાડેજાને તેમના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
તમારા ગોલ માટે પેશનેટ બનો
કોમલ બા જણાવે છે કે,આ ફિલ્ડમાં આવનાર કોઈપણ વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જરૂૂરી છે. પેશનની સાથે કન્સિસ્ટન્સી અને હાર્ડવર્ક હોવું જરૂૂરી છે પેશન હશે તો જ સર્વાઈવ કરી શકશો. ખાલી ડ્રિમ જોવાનો અર્થ નથી તેને ગોલમાં શિફ્ટ કરવું પડે છે અને તેને અચીવ કરવા માટે હાર્ડવર્ક જરૂૂરી છે.
આ છે પાઇલટ બનવાની સફર
પાઈલટ બનવા અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું કે,બારમા ધોરણમાં મેથ્સ સાથે પરીક્ષા પાસ કર્યા બાદ થીયરી અને પ્રેક્ટિકલ હોય છે. જેમાં છ પેપર ક્લિયર કરવાના હોય છે તેમજ 200 કલાકની ઉડાન ભરવાની હોય છે. ફિઝિકલ ફિટનેસની પ્રક્રિયા પણ ટફ હોય છે.ગ્રાઉન્ડ ટ્રેનિંગ સહિત જુદા-જુદા પ્રકારની ટ્રેનિંગ હોય છે.આવી અનેક આકરી કસોટી પસાર કર્યા બાદ તમને સીપીએલ એટલે કે કોમર્સિયલ પાઇલટ લાઇસન્સ મળે છે. પાઈલટ બની ગયા પછી પણ દર છ મહિને ટેસ્ટ હોય છે જે તમારે પાસ કરવી પડે છે અને સતત અપડેટ રહેવું પડે છે.
Wrriten By: Bhavna Doshi