અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબ
જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે અને તેઓ આ આયોજન સાથે કોઈપણ પ્રકારે સંકળાયેલા નથી. હાલમા સોશિયલ મીડિયામાં એક જાહેર આમંત્રણ ફરતું થયું છે. જેમાં ઉલ્લેખ છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં રીધમસ ફાઉન્ડેશન દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન થશે. આ આમંત્રણમાં દાવો કરાયો હતો કે વંશાવલીનું પ્રથમ પૂજન જામસાહેબના રાજમહેલમાં થશે અને ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે.
આ અંગે જામસાહેબે સ્પષ્ટતા કરી છે કે, તેમને રીધમસ ફાઉન્ડેશન વિશે કોઈ જાણકારી નથી. તેમણે આ બાબતે કોઈ મંજૂરી આપી નથી અને તેઓ આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે કોઈ પણ પ્રકારે જોડાયેલા નથી. મહારાજા જામસાહેબ ઓફ નવાનગર દ્વારા તેમના પ્રજાજનોને આ જાહેર સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમણે વાયરલ થયેલી માહિતીને ખોટી ગણાવી છે.