મારે પિતા પર બોજ નથી બનવું લખી ધો.12ની છાત્રાનો આપઘાત
જામનગર રોડ પર અર્પણ હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર રોડ પરની કલ્યાણ સોસાયટી પાસે આવેલી અર્પણ હોસ્ટેલમાં રહેતી સાહિસ્તા મહમદ મીલતાની (શેખ) નામની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં પોતાના રૂૂમમાં સ્યુસાઇડ નોટ લખી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.સ્યુસાઇડ નોટમાં મારે પિતા પર બોજ નથી બનવું તેવો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પિતાએ મારી આર્થિક સ્થિતિ સારી અને સમયસર સ્કૂલ ફી પણ ભરેલ છે હોવાનું જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ સહિતની ટીમે કાર્યવાહી કરી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે,સાહિસ્તા દેવભૂમિ દ્વારકા નજીકના ગામની વતની હતી અને તે બે ભાઈની એકની એક બહેન હતી.તેના પિતા ખાવડીમાં નોકરી કરે છે.સાહિસ્તા રાજકોટમાં અર્પણ હોસ્ટેલમાં રહી ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી.કેટલાક દિવસથી રીડિંગ વેકેશન હોવાથી સાહિસ્તા પોતાના ઘરે ગઇ હતી અને રવિવારે જ હોસ્ટેલે પરત આવી હતી.મંગળવારે બપોરે તેની સાથી વિદ્યાર્થિનીઓ સ્કૂલે પરીક્ષા આપવા ગઈ ત્યારે સાહિસ્તા સાથે ગઈ નહોતી અને પોતાના રૂૂમમાં ફાંસો ખાઈ લીધો હતો.સાહિસ્તાએ સ્યૂસાઇડ નોટ લખીને પગલું ભર્યું હતું જેમાં લખ્યું હતું કે, પિતા પર બોજ નથી બનવું એટલે અંતિમ પગલું ભરું છું, સ્કૂલ અને હોસ્ટેલની ફી પિતા અને પરિવાર માટે આર્થિક બોજરૂૂપ છે તેવો વિચાર સાહિસ્તાના માનસમાં ઘૂમી વળ્યો હતો અને તે કારણે તેણે અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
જ્યારે તેના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ ખાવડીમાં આવેલ રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે અને તેઓની આર્થિક સ્થિતિ પણ સારી છે. તેમજ તેઓ તેમની પુત્રીની સ્કૂલ ફી પણ સમયસર ભરી દેતાં હતાં. તેમની પુત્રીએ ક્યાં કારણસર અંતિમ પગલું ભરી લીધું? એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.