હું કોર્ટના ધક્કાથી કંટાળી ગઇ છું, વીડિયો કોલ કરી પરિણીતાનો આપઘાત
ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં પતિથી અલગ રહેતી પરિણીતાએ ભાઇના મિત્રને વીડિયો કોલ કરી ગળેફાંસો ખાઇ લીધો
પરિણીતાને હોસ્પિટલે ખસેડી પરંતુ જીવ ન બચ્યો, દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરના વાવડી વિસ્તાર 80 ફુટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં રહેતી ઉર્વશીબેન નયનમાઈ ધોકીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર સાસરૂૂ ધરાવતી આ પરિણીતાને પતિ સાથે મનમેળ ન હોઈ ત્રણેક વર્ષથી રાજકોટ માવતરે આવી ગઈ હતી.
હાલમાં સાત વર્ષના દિકરા સાથે અલગ ભાડેથી રહેતી હતી. ગઈકાલે તેણે ભાઈના મિત્રને વિડીયો કોલ કરી પોતે કોર્ટ કેસથી ધક્કા ખાઈને કંટાળી ગઈ છે અને હવે મરી જવાની છે તેવુ કહ્યું હતું.આ પછી ફાંસો ખાઈ લીધો હતો.
વધુ વિગતો મુજબ, ઉર્વશીબેન ધોકીયા ગોવિંદરત્નમાં ભાડેથી પોતાના પુત્ર સાથે એકલી રહેતી હતી.ગઈકાલે ઉર્વશીબેને પોતાના ભાઈ યાજ્ઞિકભાઈના મિત્રને વિડીયો કોલ કર્યો હતો અને પોતે પતિ સામેના કોર્ટ કેસથી અને કોર્ટના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગઈ છે તેવી વાત કરી પોતે ગળાફાંસો ખાઈ રહી છે તેવું કહેતાં જ તેણીના ભાઈના મિત્ર ચોંકી ગયા હતાં અને તુરત મિત્ર યાજ્ઞિકભાઈને ફોન કરી તમારા બહેન આવુ પગલુ ભરે છે તેમ જણાવ્યું હતું.આથી નજીકમાં જ ગોવર્ધન ચૌક રોયલ એલીગન્ટ એપાર્ટમેન્ટમાં રહેતાં તેણીના ભાઈ યાજ્ઞિકભાઈ તુરત જ બહેનના ઘરે પહોંચી ગયા હતાં.ત્યારે બહેન લટકતી હાલતમાં મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.
જો કે સારવાર દરમિયાન મોડી રાતે ઉર્વશીબેને દમ તોડી દીધો હતો.આ બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ એ.જી. મકવાણાએ જાણ કરતાં તાલુકા પોલીસસ્ટેશનના પીએસ આઈ એસ. પી. ચૌહાણ, કિરીટભાઈ રામાવત સહિતના સ્ટાફે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઉર્વશીબેનના લગ્ન દસ વર્ષ પહેલા જામનગરના નયનભાઈ ઘોકીયા સાથે થયા હતાં.સંતાનમાં સાત વર્ષનો દિકરો છે.
પતિ પત્નિ વચ્ચે કોઈ વાતે કલેશ થતાં તેણી ત્રણેક વર્ષ પહેલા દિકરાને લઈ રાજકોટ માવતરે આવી હતી.હાલમાં તે માવતરથી અલગ ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં પુત્ર સાથે એકલી રહેતી હતી અને ઘર નજીક જ રેડીમેઈડ કપડાની દુકાન ચલાવતી હતી. થોડા મહિના પહેલા તેણે પતિ વિરૂૂધ્ધ કોર્ટ કેસ પણ કર્યો હતો.ગઈકાલે દિકરો તેના નાના-નાનીના ઘરે હોઈ ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો.