વિજયભાઇ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી: મોદી
સોશિયલ મીડિયામાં વડાપ્રધાને ભાવુક પોસ્ટ શેર કરી વિજયભાઇને શ્રધ્ધાંજલિ અર્પી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતી ભાવુક પોસ્ટ શેર કરી છે. તેઓ આજે સવારે વિજયભાઇના ધર્મપત્ની અંજલીબેનને અમદાવાદ એરપોર્ટ ખાતે મળ્યા હતા અને શાંતવના પાઠવી હતી.
તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે વિજયભાઈ રૂૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ઈઝ ઑફ લિવિંગએ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના ૐ શાંતિ...!!