હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયો
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ ઉપરથી આડકતરી રીતે કેટલાક તીખા ચાબખાં માર્યા હતા. તેમનો આ પ્રહાર સીધો કડીના વર્તમાન રાજકારણ અને નવા ધારાસભ્ય તરફ હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હું 50 (પચાસ) વર્ષથી કડીને જોઉં છું, જ્યારે ધારાસભ્યને હજુ 4 (ચાર) મહિના થયા છે, બિચારાને. નીતિન પટેલે ત્યાં હાજર લોકોને ચેતવણી આપતા કહ્યું કે, મને છેતરતા નઈ, એમને છેતરજો, કારણ કે કડીમાં કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે, બધું મને ખબર છે.
નીતિન પટેલે માત્ર આડકતરી ટીપ્પણીઓ જ નહીં, પણ પોતાનું રાજકીય મૂલ્ય અને નિષ્ઠા પણ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હું સસ્તો રાજકારણી કે મફતિયો રાજકારણી નથી, કે જે માત્ર આવે અને મફતનું લઈ જાય.
પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે દાખલો આપ્યો કે, મેં એ વખતે ચંપાબા નામકરણ કરવા માટે ₹11 લાખ આપ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. જ્યાં સુધી તેઓ કડીમાં બેઠા છે, ત્યાં સુધી ખોટું નહીં થાય, તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
નીતિન પટેલે નેતાઓની આસપાસ ગોઠવાતી ખોટી ટોળકી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજુબાજુ બેસતા લોકો જ કામ કરાવતા હોય છે, પણ જો આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો (નેતાને) બદનામ કરે. આ વાતને સમર્થન આપવા તેમણે તાજેતરમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હમણા બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવામાં પડ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે, મંત્રીઓએ પોતે ખોટું કર્યું છે કે નહીં તે તેમને ખબર નથી, પરંતુ એમના પરિવારમાંથી/ટેકેદારોમાં બે પાંચ જણાએ ખોટું કર્યું, એટલે એમને મંત્રી મંડળમાં ના લીધા. અંતે તેમણે હાસ્ય સાથે કહ્યું કે, બોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે.