'મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું લોકો સામે...'પિતાએ વેદના પ્રગટ કરતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા, આપ્યો ચોંકાવનારો જવાબ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક મોટા વિવાદમાં ફસાયા છે. જાડેજાના પિતાએ એક ઈન્ટરવ્યુમાં પુત્ર અને પુત્રવધૂ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય ક્રિકેટરના પિતાએ આરોપ લગાવ્યો છે કે બંને વચ્ચે કોઈ વાત થઈ નથી અને તેઓ લાંબા સમયથી અલગ રહે છે. એટલું જ નહીં પિતાએ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર પણ આક્ષેપો કર્યા છે. હવે જાડેજાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને નિવેદન જારી કરીને આ આરોપોને ખોટા અને એકતરફી ગણાવ્યા છે.
રવિન્દ્રના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના પુત્ર અને પુત્રવધૂ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો કે 'લગ્નના ત્રણ મહિનામાં જ બધું મારું મારું કરીને મારા નામે કરી દો કહેવાનું શરૂ કરી દીધું હતું. ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા. તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે. ચાલો હું ખરાબ, નયનાબા (રવીન્દ્ર જાડેજાનાં બહેન) ખરાબ પણ કુટુંબમાં 50 લોકો છે તો પચાસેપચાસ લોકો ખરાબ? કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. કોઈ ચીજ નહીં, નફરત જ.
આક્ષેપોથી નારાજ જાડેજા
આ ઈન્ટરવ્યુ સામે આવ્યા બાદથી જ હોબાળો મચી ગયો છે અને હવે જાડેજાએ આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પિતાના આક્ષેપોથી નારાજ જાડેજાએ ગુજરાતીમાં પોતાનું નિવેદન જારી કરીને ઇન્ટરવ્યુને 'સ્ક્રીપ્ટેડ' ગણાવ્યો હતો અને તેને અવગણવાની અપીલ કરી હતી. પોતાના નિવેદનમાં જાડેજાએ લખ્યું છે કે અખબારમાં તાજેતરનો લેખ વાહિયાત અને ખોટો છે અને સંપૂર્ણપણે એકતરફી છે. ભારતીય ઓલરાઉન્ડરે આગળ લખ્યું કે તેમાં જે વાતો કહેવામાં આવી છે તે યોગ્ય નથી અને તે તેની સાથે સહમત નથી.
જાડેજા રિવાબા પરના આરોપોથી વધુ નારાજ દેખાયા અને કહ્યું કે આ તેમની પત્નીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ છે, જેની તેઓ નિંદા કરે છે. આ પછી જાડેજાએ ચેતવણી આપી હતી કે તે પણ જાહેરમાં ઘણું કહી શકે છે પરંતુ તે આવું કરવાનું ટાળશે.
રવિન્દ્ર જાડેજાના પિતા ચોકીદાર હતા અને તેમણે ગરીબી વચ્ચે પુત્રનો ઉછેર કરીને તેને ક્રિકેટર બનાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાની માતાનું અવસાન તે ખૂબ જ નાનપણમાં થયું હતું. આવી સ્થિતિમાં તેની બે મોટી બહેનોએ મળીને તેનો ઉછેર કર્યો અને તેનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવામાં મદદ કરી. હવે પિતાનો આરોપ છે કે તે અને તેની બે પુત્રીઓ એક ફ્લેટમાં રહે છે, જ્યારે જાડેજા અને તેની પત્ની તેમનાથી અલગ ઘરમાં રહે છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે રવિન્દ્ર તેના પિતા અને બહેનો સાથે વાત કરતો નથી અને હવે તેને એ વાતનો અફસોસ છે કે તેણે રવિન્દ્રને ક્રિકેટર બનાવ્યો અને તેના લગ્ન રિવાબા સાથે કરાવ્યા.