હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફલાઇટે ઉડાન ભર્યા બાદ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ
મહિલા પેસેન્જરનું બ્લડપ્રેસર વધી જતાં ફલાઇટ ફરી રાજકોટ એરપોર્ટ ઉપર લવાઇ
રાજકોટથી હૈદરાબાદ જતી ઇન્ડીગોની ફલાઇટનુ ઉડાન ભર્યા બાદ થોડી જ વારમા રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવામા આવ્યુ હતુ. રાજકોટથી હૈદરાબાદ ઇન્ડીગોની ફલાઇટમા મુસાફરી કરતા મહીલા મુસાફર સાગરા હરીકા નલુરને ફલાઇટે ઉડાન ભર્યાના થોડા જ સમયમા બ્લડ પ્રેસર વધી જતા તાત્કાલીક આ હૈદરાબાદની ફલાઇટને પરત રાજકોટ એરપોર્ટ ખાતે લાવવામા આવી હતી અને આ મહીલાને રાજકોટની ગોકુલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
ઇન્ડીગોની 6ઇ/6824 નંબરની રાજકોટથી હૈદરાબાદ જતી ઇન્ડીગોની ફલાઇટે આજે બપોરે 1.1પ કલાકે ઉડાન ભર્યા બાદ થોડી ક્ષણોમા ફલાઇટ જયારે હવામા હતી ત્યારે જ અચાનક આ ફલાઇટમા મુસાફરી કરતા મહીલા મુસાફરને બ્લડ પ્રેસરની તકલીફ થઇ હતી અને આ મહીલા મુસાફરનુ બ્લડ પ્રેસર વધી જતા સ્થીતી ગંભીર બનતા ઇન્ડીગોની રાજકોટ હૈદરાબાદ ફલાઇટના ક્રુ મેમ્બરે તાત્કાલીક આ બાબતે ફલાઇટનાં પાઇલોટને જાણ કરી હતી અને તકેદારીનાં ભાગરૂપે આ બાબતે પાઇલોટે રાજકોટ એટીસીને વાકેફ કરતા રાજકોટથી ઇન્દોર જતી ઇન્ડીગોની આ ફલાઇટને ઇમરજન્સીમા પરત બોલાવવામા આવી હતી અને રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આ ફલાઇટનુ ઇમરજન્સી લેન્ડીંગ થયુ હતુ.
ફલાઇટમા મુસાફરી કરતા મહીલા મુસાફરને બ્લડ પ્રેસર વધી ગયુ હોવાની જાણ પાઇલોટે એટીસીને કરી હોય જેથી એટીસીએ આ મામલે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરતા ફલાઇટનુ ઇમરજન્સી લેન્ડીંગ થાય તે પુર્વે જ એમ્બ્યુલન્સને તૈનાત રાખવામા આવી હતી અને ફલાઇટ લેન્ડ થયા બાદ મહીલા મુસાફરને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક ગોકુલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. રાજકોટ હૈદરાબાદની ઇન્ડીગોની ફલાઇટનુ ઇમરજન્સી લેન્ડીંગ થતાની સાથે જ એરપોર્ટ ખાતે સુરક્ષા કર્મીઓ અને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.