પતિ હોસ્પિટલમાંથી પુત્રને ઉપાડી ગયો; પત્ની તેડવા જતા ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં દેવપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો બે વર્ષનો પુત્રના હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે પતિ પુત્રને લઈને બેડલા ગામે વતનમાં ચાલ્યો ગયો હતો અને તારે પુત્ર જોઈતો હોય તો અહીંથી લઈ જજે તેવું કહેતા જનેતા પુત્રને લેવા બેડલા ગામે પહોંચી હતી ત્યારે તું મને ગમતી નથી છુટાછેડા આપી દેવા છે તેમ કહી પતિ, દિયર અને સસરાએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં દેવપરા સિંદુરીયા ખાણ વિસ્તારમાં રહેતી રતનબેન અજયભાઈ સિરોલીયા નામની 25 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેડલા ગામે હતી ત્યારે પતિ અજય સિરોલીયા, સસરા દિનેશભાઈ સિરોલીયા અને દિયર રાહુલ સિરોલીયા સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રતનબેન સીરોલીયાનો બે વર્ષનો પુત્ર દેવકું ઘટનાના દિવસે જનાના હોસ્પિટલમાં દાખલ હતો ત્યાંથી પતિ અજય સીરોલિયા પુત્ર દેવકુને લઈને બેડલા ગામે જતો રહ્યો હતો અને તારે દીકરો જોઈતો હોય તો બેડલા આવીને લઈ જજે તેવું કહેતા રતનબેન સિરોલીયા પુત્રને લેવા માટે બેડલા ગામે પહોંચી હતી ત્યારે પતિ અજય સિરોલીયાએ તું મને ગમતી નથી છૂટાછેડા આપી દેવા છે તેમ કહી ભાઈ અને પિતા સાથે મળી માર માર્યો હોવાનો રતનબેન સિરોલીયાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.