ઇન્સ્ટાગ્રામ આઇડી બંધ થતા પત્નીએ કરેલા ઝઘડાથી પતિએ ફિનાઇલ પીધું
શહેરમાં ભગવતી પરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી પરિણીતાનુ ઇન્ટા આઇટી બંધ થઇ જતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા માવતરે રિસામણે ચાલી ગયેલી પરિણીતાએ છુટાછેડા માટે રૂા.10 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતી પરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા અનીલ અમરશીભાઇ ઝાલા નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ફિનાઇલ પી લેનાર અનીલ ઝાલાની પત્નીનુ ઇન્ટા આઇડી બંધ થઇ જતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્ની માવતરે રિસામણે ચાલી ગઇ હતી. રિસામણે બેઠેલી પત્નીએ છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતા ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધુ હોવાનુ યુવાને આક્ષેપ કર્યો છે.