ત્રણ દિવસથી રિસામણે ચાલી ગયેલી પત્નીને વીડિયો કોલ કરી પતિનો આપઘાત
તું રાજકોટ નહીં આવતો જીવન ટૂંકાવી લઇશ કહ્યા બાદ ગળેફાંસો ખાઇ લીધો
રાજકોટ શહેરમા યુનિવર્સીટી રોડ આકાશવાણી ચોક પાસે ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસનાં કવાર્ટરમા રહેતા 22 વર્ષનાં નેપાળી યુવાને તેમની પત્નીને વિડીયો કોલ કરી માવતરેથી પરત આવી જવાનુ કહયા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામા યુનિવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે કાગળો કર્યા બાદ પરીવારને મૃતદેહ સોપ્યો હતો. યુવાનનાં મોતથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
વધુ વિગતો મુજબ ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસનાં કવાર્ટરમા રહેતા સંદીપ રામસિંગ પરીહાર (નેપાળી ) (ઉ.વ. રર) નામનો યુવાન પોતાનાં ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઇ લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલનાં ઇમરજન્સી વોર્ડમા ખસેડાયો હતો . જયા ફરજ પરનાં તબીબ ડો. હેમાંગ કુંગશીયાએ જોઇ તપાસી સંદીપને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ યુનિવર્સીટી પોલીસને જાણ કરવામા આવતા પીએસઆઇ સી. પી. રાઠોડ અને સ્ટાફ તુરંત સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો અને કાગળો કર્યા હતા.
મૃતક બે ભાઇ એક બહેનમા નાનો હતો અને તેને સંતાનમા એક દિકરો છે. તેમજ સંદીપ એક હોટલમા કુક તરીકે કામ કરતો હતો. પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે સંદીપની પત્ની ભુમીકા ઝઘડો કર્યા બાદ તેમનાં માવતર માળીયા હાટીના ચાલી ગઇ હતી અને જેનાથી સંદીપ ચિંતામા મુકાઇ ગયો હતો. ત્યારબાદ ગઇકાલે તેમની પત્નીને વિડીયો કોલ કરી તુ તારા માવતરેથી રાજકોટ આપણા ઘરે આવી જા નહી તો હુ આપઘાત કરી લઇશ તેવી વાત કરી હતી. ત્યારબાદ સંદીપે પંખામા ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સંદીપનાં મૃત્યુથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.