પત્નીએ ભરણપોષણનો કેસ કરતા પતિનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતી શિવાજી ટાઉનશીપ પાસે આધેડે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પત્નીએ ત્રણ વર્ષથી ઘરેથી કાઢી મુકયા બાદ ભરણપોષણનો કેસ કર્યો હતો. જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં લાલ બહાદુર ટાઉનશીપમાં રહેતા વિજયભાઇ જીવરાજભાઇ વાડોલીયા (ઉ.વ.50)નામના આધેડે આજે સવારે છત્રપતી શિવાજી ટાઉનશીપ પાસે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં વિજયભાઇ બે ભાઇ એક બહેનમાં મોટા અને રિક્ષા ચલાવતા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. હોસ્પિટલના બિછાનેથી જણાવ્યા મુજબ તેમની પત્ની નયનાબેને તેમને 3 વર્ષથી ઘરમાંથી કાઢી મૂકયા છે. બાદમાં મહિલા પોલીસમાં ફરિયાદ કરી હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો. જેથી કંટાળી તેમને આ પગલુ ભરી લીધાનું જાણાવ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
