ગિરનાર ભૂમિમાં ‘માનવતા મહોત્સવ’નો પ્રારંભ
અક્ષયકુમાર સહિતના કલાકારો, હર્ષ સંઘવીએ નમ્રમુનિની લીધી મુલાકાત
ગિરનારની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના 55માં જન્મોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય માનવતા મહોત્સવનો ગઈકાલથી (26, 27 અને 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન) પ્રારંભ થયો છે.
આ મહોત્સવમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ નમ્રમુનિ મહારાજની મુલાકાત લીધી અને તેમને શુભેચ્છા પાઠવી હતી.
દર વર્ષે યોજાતા આ પમાનવતા મહોત્સવથ અંતર્ગત લાચાર, દુ:ખી, અબોલ અને વેદનાગ્રસ્ત એવા લાખો જીવોને શાતા પમાડવાના અનેકવિધ સત્કાર્યો અને જીવદયાના પ્રકલ્પો કાર્યરત કરવામાં આવે છે. આ વર્ષે પણ પારમાર્થિક ભાવના સાથે માનવતાના આ કાર્યક્રમો યોજાશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નમ્રમુનિ મહારાજને વંદન કર્યા હતા અને જણાવ્યું હતું કે, નમ્રમુનિ મહારાજની સંસ્થા દ્વારા જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે 300 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રોજેક્ટની શરૂૂઆત કરવામાં આવી છે. જે એક સરાહનીય કાર્ય છે. તેમણે રાજ્યની શાંતિ, સલામતી તથા સુરક્ષા માટે ખાસ મનોકામના કરી હોવાનું પણ જણાવ્યું હતું.
આ મહોત્સવ દરમિયાન લાખો ભાવિકોને મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રની સંકલ્પ સિદ્ધિ જપ સાધનામાં જોડાઈને મંત્ર ઊર્જાનો અનુભવ કરવાનો અનન્ય લાભ મળશે. આ સાધના વર્ષમાં માત્ર એક જ વાર નમ્રમુનિ મહારાજના નાભિના બ્રહ્મનાદથી થાય છે.
નમ્રમુનિ મહારાજના જન્મોત્સવની શુભેચ્છા અર્પણ કરવા માટે દેશ-વિદેશના લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ભારત સહિત 100થી વધુ દેશ-વિદેશના ભાવિકો પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા આતુર છે. 100થી વધુ શ્રી સંઘો, મહિલા મંડળો, યુવક મંડળો, સામાજિક સંસ્થાઓ, અર્હમ યુવા સેવા ગ્રુપ અને લુક એન લર્ન મિશન સાથે જોડાયેલા હજારો કાર્યકરો પણ આ મહોત્સવમાં જોડાશે.