સૌરાષ્ટ્રમાં આવવા ભારે ધસારો, એસટીની 384 બસોનું ઓનલાઇન બૂકિંગ હાઉસફૂલ
લાંબા અંતરની બસોમાં આજથી 4 દિવસ ઉભા રહેવાની પણ જગ્યા નહીં, આઠ દિવસના મિનિ વેકેશન પહેલા ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાતમાંથી કાઠિયાવાડમાં આવવા હકડેઠઠ ભીડ
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને બે રજાઓ આપી દેતા તારીખ 19મીથી તારીખ 26મી સુધી મિની વેકેશનનો લાભ મળી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથે આગામી તારીખ 16મી, 17મી, 18મી, 19મી સુધીની તમામ સૌરાષ્ટ્રની બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલની સ્થિતિ બની જવા પામી છે. ત્યારે લાંબા અંતરની બસોનું ઓનલાઇન બુકિંગથી એસ ટી નિગમને ધનતેરસ પહેલાં જ ધનવર્ષા થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. દિપાવલી પર્વોમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને અનોખી ભેટ આપી છે. જોકે તેના બદલે બીજો અને ચોથા શનિવાર ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતું હાલમાં દિપાવલી પર્વોમાં સરકારી કર્મચારીઓને તારીખ 19મીથી તારીખ 26મી સુધીનું આઠ દિવસનું મિની વેકેશનનો લાભ મળ્યો છે. મિની વેકેશનને પગલે સરકારી કર્મચારીઓ દિપાવલીના તહેવારનોની ઉજવણી માદરે વતન કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
અમુક પરિવારોએ દિપાવલીના પર્વો સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પરિણામે તારીખ 16મી, ઓક્ટોબરથી તારીખ 19મી, ઓક્ટોબર સુધીની તમામ સૌરાષ્ટ્રની બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલની સ્થિતિ બની રહેવા પામી છે. તેમાં અમરેલી, જામનગર, પોરબંદર, ધારી, તુલશીશ્યામ, જાફરાબાદ, ગીરગઢડા, કોડિનાર, સાવરકુંડલા સહિતની તમામ બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસ ફુલ થઇ જવા પામ્યું છે.જોકે તારીખ 16મી, ઓક્ટોબરના રોજ ધારીની બે, અમરેલીની એક, સાવરકુંડલાની એક, જાફરાબાદની એક, ગીરગઢડાની એક, કોડિનારની એક બસ સહિત કુલ-384 સીટોનું બુકિંગ હાઉસફુલ થઇ જવા પામ્યું છે. જ્યારે તેવી જ રીતે તારીખ 17મી, ઓક્ટોબર અને 18મી, ઓક્ટોબરના રોજની પણ તમામ બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલ જેવી સ્થિતિ બની રહેવા પામી છે.
લાંબા અંતરની એસ ટી બસોનું ઓનલાઇન બુકિંગ થવાની પાછળ એસ ટી નિગમ દ્વારા એસી, નોન એસી, સ્લિપર, વોલ્વો સહિતની બસો દોડાવાશે. આગામી મીની વેકેશનના પ્રારંભ પહેલાં માદરે વતનમાં પરિવાર સાથે દિપાવલી પર્વોની ઉજવણી કરવા માટે તારીખ 16મીથી તારીખ 19મી સુધીની સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારની તમામ બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલ થઇ જવા પામ્યો છે. ત્યારે ઓનલાઇન બસોની હાઉસફુલ સ્થિતિને જોતા એસ ટી નિગમ દ્વારા આગામી દિપાવલી પર્વોને ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો મુકવામાં આવે તેવી પણ શક્યતા રહેલી હોવાનું એસ ટી નિગમના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
ભાવનગરથી સુરત બે દિવસ 120 એક્સ્ટ્રા બસ મુકાશે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા તા.17/10ના રોજ 70 (સિત્તેર) બસ અને તા.18/10ના 50 (પચાસ) બસ ભાવનગરથી સુરત ખાતે મુસાફરોને લેવા માટે વિભાગના 8 (આઠ) ડેપો દ્વારા બે દિવસ દરમિયાન કુલ 120 બસનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. જે મુજબ તા.17/10ના રોજ ભાવનગર ડેપો થી 12, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર અને બોટાદ ડેપોથી 9, ગઢડા ડેપો થી 8 અને બરવાળા ડેપો થી 5 એમ કુલ 70 બસ સુરત ખાતે રવાના થશે. તા.18/10ના રોજ ભાવનગર ડેપો થી 10, તળાજા, પાલિતાણા, ગારિયાધાર ડેપો થી 7, મહુવા અને બોટાદ ડેપો થી 6 તથા ગઢડા ડેપો થી 5 અને બરવાળા ડેપો થી 2 એમ કુલ 50 બસ સુરત ખાતે રવાના થશે. આમ, મુસાફરોને આવતા જતા બંને તરફ એસ.ટી.બસનો લાભ મળી રહે તે હેતુથી મુસાફરોની માંગને ધ્યાને લઈ પ્રથમ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ સુરત માટે સંચાલન કરવામાં આવશે. મુસાફરોની માંગ મુજબ ઓનલાઈન બુકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. બરવાળા, બોટાદ ડેપો ખાતે મુસાફરોની જરૂૂરીયાત મુજબ અમદાવાદ/ વડોદરા થઈ સુરત માટે વાહનો રવાના થશે. ગઢડા/ ગારીયાધાર ડેપો ખાતે મુસાફરોની જરૂૂરીયાત મુજબ છોટાઉદેપુર/ વડોદરા થઈ સુરત માટે વાહનો રવાના થશે. કોઈ સમૂહ કે ગૃપના 50 મુસાફરો એકસાથે બુકીંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસની ફાળવણી કરવામાં આવશે. તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાને લઈ તમામ ડેપો ખાતે 5 બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામકશ્રી એસ. ટી. ભાવનગર દ્વારા જણાવાયું છે.