અકસ્માત વળતર કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું 75 લાખનું જંગી વળતર મંજૂર
જામકંડોરણાનાં ચિત્રાવડ ગામના યુવકનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થતા ક્લેઇમ કેસ દાખલ કર્યો’તો
જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામમાં રહેતાં યુવાનનું વાહન અકસ્માત મૃત્યુ થયું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં માત્ર 8 માસમાં મૃતકના વારસદારોનું રૂૂા.75 લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે.
આ કેસની હકીકત મુજબ જામકંડોરણા તાલુકાનાં ચિત્રાવડ ગામે રહેતા શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા કાલાવડ તાલુકાનાં આણંદપર ગામે આવેલ સિલ્વર ટેક કારખાનામાં પ્રાઈવેટ નોકરી કરતા હતાં અને પોતાની નોકરી પુરી કરી બાઈક લઈ પરત પોતાનાં ગામ જઈ રહયા હતા ત્યારે અન્ય બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શિવરાજસિંહ ચુડાસમાનું મોત નિપજ્યું હતું.
અકસ્માતનાં મોતને ભેટેલા શિવરાજસિંહ ચુડાસમાનાં વારસદારોએ મોટર સાયકલની વીમા કંપની સામે તા.24/10/2024નાં રોજ રાજકોટ ટ્રીબ્યુનલ સમક્ષ કલેઈમ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અરજદારોના વકીલ દ્વારા અકસ્માત પહેલા મૃતક શિવરાજસિંહ ચુડાસમા આણંદપર ગામે આવેલ સિલ્વર ટેક કારખાનામાં પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે અંગેનું ઈન્મટેક્ષ રીર્ટન ફાઈલ કરતા હતા. મૃતક યુવકની આવક ઉપર પ્રોસ્પેકટીવ આવકની ગણતરી કરી મૃતકનાં વારસદારોને હાલની મોંઘવારી મુજબ મહત્તમ વળતરની માંગ કરી હતી. અકસ્માત કેસમાં માત્ર આઠ માસનાં ટુંકા ગાળામાં મૃતક શિવરાજસિંહ ચુડાસમાના વરસદારોનું રૂૂ.75 લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે.
આ કેસમાં અરજદારો વતી રાજકોટનાં નામાંકિત તથા કલેઈમ કેસનાં નિષ્ણાંત એડવોકેટ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસટન્ટ તરીકે જતીન પી. ગોહેલ, દિનેશ ડી. ગોહેલ અને જયેશભાઈ મકવાણા રોકાયા હતા.