જામજોધપુરની સોમનાથ સોસાયટીમાં હોટલ સંચાલકનો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક ગઢવી યુવાનનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો, અને તેની બાજુમાંથી એક છરી પણ મળી આવી હતી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન મૃતક યુવાને પોતે જ પોતાના ગળામાં છરીનો ઘા મારી આત્મહત્યા કરી લીધી હોવાનું અને પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આ પગલું ભર્યાનનુંજાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના સોમનાથ સોસાયટીમાં રહેતો સામાભાઈ રણમલભાઈ ગઢવી નામનો 32 વર્ષના યુવાન કે જે અગાઉ હોટલ ચલાવતો હતો, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને માનસિક સમતુલા ગુમાવી બેઠો હતો.
દરમિયાન પોતાના ઘેરથી ગઈ રાત્રે છરી સાથે નીકળી ગયા પછી આજે સવારે તેનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સૌપ્રથમ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને એફએસએલ અધિકારીની ટુકડી વગેરે પણ જામજોધપુર પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.
દરમિયાન મૃતક યુવાને જાતે જ પોતાના હાથે શરીરના ગળાના ભાગે છરી નો ઘા ઝીંકી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું હતું. પોલીસ દ્વારા મૃતકના માતા આલૂ બેન ગઢવીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં માતાએ જણાવ્યું હતું, કે પોતે ગઇ રાત્રે બહારગામ થી છરી લઈને આવ્યો હતો, જે છરી લઈને પોતાના ઘેરથી નીકળ્યો હતો. તેના ભાઈએ પણ રસ્તામાં રોક્યો હતો.
પરંતુ રોકાયો ન હતો, અને આજે સવારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. છેલ્લા દોઢ મહિનાથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને પોતાના તેમજ પોતાના મોટાભાઈ અને મોટા બહેન કોઈના લગ્ન થયા ન હતા, જેથી પોતે ચિંતા અનુભવતો હતો. દરમિયાન ગઈ રાત્રે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું તારણ નીકળ્યું છે. જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અને મૃતકના માતા આલુબેન તેના ભાઈ, અને બહેન વગેરેના નિવેદનો નોંધ્યા છે.