થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ
150 મીટરમાં બંગલા અને 350 મીટરનો બગીચો પણ બનાવી નાખ્યો
થાનગઢ તાલુકાના જામવાડીમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીને મદદ થાય એવી કામગીરી ચાલતી હતી એવી હોટલ,બંગલો અને 11 દુકાનો સહિતનું ગેરકાયદેસર બાંધકામ ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા દૂર કરી 12 કરોડ રૂૂપીયાની કિમતની સરકારી જમીન ખુલ્લી કરાતા ખનીજમાફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. વર્ષોથી સ્થાનીક નેતાઓ અને અધિકારીઓની મીલીભગતથી થાનગઢ,મુળી અને ચોટીલા વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી ખુલ્લેઆમ ચાલી રહી હતી.
પરંતુ કલેકટર અને ડેપ્યુટી કલેકટરની બદલી થતાની સાથે જ નવનિયુકત કલેકટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ ચાર્જ લીધા બાદ ખનીજચોરી સદંતર બંધ કરવા માટે સતત કાર્યવાહી શરૂૂ કરી હતી.જેમાં થાનગઢના જામવાડીના વિઠલ જાગાભાઇ અલગોતર દ્વારા મોટાપાયે ખનીજચોરી કરતા હોવાનુ માલુમ પડતા ડેપ્યુટી કલેકટરે એમની લીઝ પણ સીઝ કરી દીધી હતી.ત્યાર બાદ મુળીના ખાખરાળાની સીમમાં ખનીજચોરી કરતા કરતા કુવામાં એક યુવક લોડર સાથે ખાબકતા મોત થયુ હતુ એ ખનીજચોરી પણ વિઠલ જાગાભાઇના કહેવાથી જ કરતા હોવાનું ખુલતા પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી.
બીજી તરફ જામવાડીમાં વિઠલ જાગાભાઇ અને રાહુલ જાગાભાઇ દ્વારા સરકારી ફોરેસ્ટની 6 હેકટર જેટલી જમીન ઉપર દબાણ કરી બંગલો,હોટલ ગોકુલ ગ્રાન્ટેજ અને 11 જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતુ.આ જગ્યા ખાલી કરવા અને ત્યાર બાદ જમીન ઉપર કરેલ બાંધકામ દૂર કરવા ફોરેસ્ટ વિભાગ દ્વારા નોટીસ અપાઇ હોવા છતાય દબાણ દૂર કરાયુ નહોતુ.જેથી કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ ફોરેસ્ટ વિભાગની ટીમને સાથે રાખી 90 જેટલા મહેસુલી અને ફોરેસ્ટની ટીમે જામવાડીમાં હોટલ,બંગલો અને 11 દુકાનો સહિતનુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી 12 કરોડ રૂૂપીયાની કિમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.આમ ખનીજમાફીયાઓના કુવા બાદ એમના દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂૂ કરતા ખનીજમાફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.