અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતીઓમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરશે
અંતે અમદાવાદને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અને નાઈજીરિયાના અબુજા વચ્ચે સ્પર્ધા હતી. તેમાં નાઈજીરિયાના અબુજાને યજમાની નહીં આપવાનું છેલ્લી બેઠકમાં જ નક્કી થઈ ગયેલું તેથી અમદાવાદ એકલું જ સ્પર્ધામાં હતું પણ છેલ્લી ઘડીએ કોઈ નવો હરીફ ફૂટી ના નીકળે કે આયોજન સમિતિ નવું ગલકું ના કાઢે એવી ચિંતા હતી. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં બુધવારે યોજાયેલી બેઠકમાં કોઈ નવો હરીફ ના આવ્યો કે કોઈએ કશો વાંધો ના લેતાં આ ચિંતા પણ દૂર થઈ ગઈ ને ભારતમાં 20 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો. ભારતમાં છેલ્લે 2010માં દિલહીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી પણ કમનસીબે આ ગેમ્સ સાથે મધુરી નહીં પણ કડવી યાદો વધારે જોડાયેલી છે.
ભારતમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ પછી કૌભાંડોના વમળમાં ફસાઈ ગઈ હતી. 2011માં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેને ભારતનાં સૌથી મોટા કૌભાંડમાંથી એક ગણાવાયેલું અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનના નામે 70 હજાર કરોડ રૂૂપિયા ચવાઈ ગયા હોવાના આક્ષેપ થયા હતા. કોંગ્રેસી નેતા સુરેશ કલમાડી ત્યારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના પ્રમુખ હતા. સુરેશ કલમાડી અને તેમના મળતિયાઓએ ભેગા મળીને અબજો રૂૂપિયા ઘરભેગા કરાયા હોવાના આક્ષેપો થયા હતા. સીબીઆઈ અને ઈડીએ આ કેસમાં તપાસ કરીને જાત જાતના આરોપો મૂકીને કલમાડી સહિત 15 લોકોને આરોપી બનાવ્યા હતા પણ અંતે કશું ના નીકળ્યું. લગભગ 14 વર્ષ લગી ચાલેલા ખટલા પછી આ વરસના એપ્રિલમાં કલમાડી સહિતના બધા આરોપી નિર્દોષ છૂટી જતાં ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવો ઘાટ થઈ ગયેલો. ઈડીએ પોતે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરેલો ને કોર્ટે ક્લોઝર રિપોર્ટ માન્ય રાખતાં કલમાડી સહિતના તમામ આરોપીઓને ક્લિનચીટ મળી ગયેલી અને કેસનું અચ્યુતમ કેશવમ થઈ ગયું.
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં જ લગભગ 50 હજાર કરોડ તો ખર્ચાવાનો અંદાજ છે. તેના કારણે રોજગારીની વ્યાપક તકો ઊભી થશે ને સાથે સાથે અમદાવાદીઓને વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળી જશે. વિકસિત દેશો જેવા રોડ-રસ્તા ને બીજી સવલતો અમદાવાદમાં ઊભી થાય એ ફાયદો નાનોસૂનો નથી જ. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાત માટે બહુ મોટી તક છે અને આ તક ગુજરાતે બિલકુલ ના વેડફવી જોઈએ. કોમનવેલ્થ ગેમ્સના આયોજકો બેઉ હાથે તક ઝડપીને દેશને ફાયદો કરાવે એ જરૂૂરી છે. દિલ્હીને 2010માં મળેલી તક કૌભાંડોના કારણે વેડફાયેલી પણ નરેન્દ્ર મોદી સરકાર એવું નહીં થવા દે એવી આશા રાખીએ.