જે હોસ્પિટલો રજિસ્ટ્રેશન ન કરાવે ત્યાં રેડ કરો: હાઇકોર્ટ
સંસ્થાઓ માટે નોંધણી ફરજિયાત કરવા, જરૂર પડે તો સીલ મારવા સૂચના
માંડલ અંધાપાકાંડ મામલે થયેલી સુઓમોટોમાં રિટની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકારને તાકીદ કરી હતી કે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો હોસ્પિટલ્સ કાયદા મુજબ રજિસ્ટ્રેશન માટે સામે ન આવે તો તેમને શોધીને તેમની સામે કાર્યવાહી કરવાના પગલાં લેવામાં આવે. આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી આગામી સુનાવણી કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે. કેસની વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ રાખવામાં આવી છે.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટ મિત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઇ પણ મેડિકલ સંસ્થા રજિસ્ટર્ડ ન હોય તો તેને બંધ કરી દેવી જોઇએ. આવી કડક કાર્યવાહી સિવાય આવી ઘટનાઓ બંધ જ નહીં થાય. સરકારે કહ્યું હતું કે,800થી વધુ સંસ્થાઓએ રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.થ ત્યારે કોર્ટે કહ્યું હતું કે,પરંતુ તમે સંસ્થાઓ માટે ફરજિયાત કરો કે જો તેઓ નિયત સમય સીમામાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ચલાવી શકશો નહીં, અન્યથા એના પરિણામો પણ ભોગવવા પડશે રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે ફરી એકવાર આ જાહેરાત કરીશું.
ખંડપીઠે ટકોર કરી હતી કે,સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરીને જેણે રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેની સામે કાર્યવાહી કરો. જેથી બીજાને પણ દાખલો મળે. એએમસી પાસે તમામનું લિસ્ટ છે. ઓથોરિટીએ રેઇડ પાડવી પડે તો તેનાથી બધાને મેસેજ મળશે. હોસ્પિટલ કે ક્લિનિક બંધ કરવાની જરૂૂર નથી પરંતુ તેઓ રજિસ્ટ્રેશન ન કરાવે તો તેમને સીલ લગાવવામાં આવે.
ત્યારબાદ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,સરકારે જણાવ્યું છે કે ઓનલાઇન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ રજિસ્ટ્રેશન માટે સામે આવી રહ્યા છે અને આ માટેની કમિટી કાર્યરત છે. તમામ હોસ્પિટલો અને એસ્ટાબ્લિશમેન્ટનું કાયદા મુજબ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જે સંસ્થાઓ રજિસ્ટ્રેશન માટે સામે નહીં આવે તેમને શોધવાની કામગીરી શોર્ટેસ્ટ ટાઇમમાં કરવામાં આવશે. સરકાર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવ્યા એ અંગેની માહિતી આગામી સુનાવણીએ કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.