મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, બેની હાલત ગંભીર
મહીસાગર જિલ્લામાં હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવી રહેલા એક શિક્ષકે બાઈકને જોરદાર ટક્કર માર્યા બાદ કોઈ પણ દયાભાવ રાખ્યા વિના બાઈક ચાલકને લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી હાઈવે પર ઢસડ્યો હતો. આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર પૂરઝડપે આવી રહેલી એક કારે બાઈકને ટક્કર મારી દીધી હતી. ટક્કરને કારણે બાઈક અને તેના પર સવાર વ્યક્તિ કારના આગળના ભાગે નીચે ફસાઈ ગયા હતા.
અકસ્માત સર્જાયા બાદ કારચાલકે કાર રોકવાને બદલે તેને પૂરઝડપે દોડાવવાનું ચાલુ રાખ્યું. બાઈક અને ચાલકને રસ્તા પર ઢસડાતા જોઈને અન્ય વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા અને કારને રોકવા માટે પીછો કર્યો, બૂમો પાડી, પરંતુ નશામાં ધૂત કારચાલકે કોઈની વાત સાંભળી નહીં. અન્ય વાહનચાલકોએ તુરંત જ આ ઘટનાની જાણ બાકોર પોલીસને કરી હતી. અન્ય વાહનચાલકોએ આ ભયાનક દૃશ્યનો વિડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
પોલીસને જાણ થતાં જ બાકોર પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આખરે કારચાલકને પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં કારમાં સવાર બંને વ્યક્તિઓ નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે કારમાં સવાર બંને લોકો નશાની હાલતમાં હતા. કારચાલક મનીષ પટેલ લુણાવાડા તાલુકાનો રહેવાસી છે અને વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેની સાથે મેહુલ પટેલ નામનો વ્યક્તિ પણ કારમાં હતો, જે નશાની હાલતમાં મળ્યો હતો. બંનેને બાકોર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને કારને ડિટેન કરી વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
આ ભયંકર અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 50 વર્ષીય દિનેશભાઈ વર્ગીભાઈ સરેલને કપાળ અને આંખની આસપાસ ગંભીર ઈજા પહોંચી છે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થઈ છે. તો 18 વર્ષીય સુનિલ મચ્છર નામના યુવાનને પણ ગંભીર ઈજા થતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે દિનેશભાઈને લુણાવાડા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકોર પોલીસે નશામાં ધૂત કારચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
