રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. જયારે પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. આ ગોઝારો અકસ્માત કુતિયાણા નજીક, રાજશક્તિ હોટલ સામે સર્જાયો હતો. આ તમામ લોકો રાજકોટથી તલાટીની પરીક્ષા આપીને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા
આ દુર્ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. પોરબંદરના છાયા વિસ્તારના રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેમનાં પત્ની મનીષાબેન ભૂતિયા અને તેમના સાળા જયમલભાઈ ઓડેદરા રાજકોટથી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અક્સમાત સર્જાયો હતો. કુતિયાણા નજીક રાજશક્તિ હોટલ પાસે તેમની કાર અચાનક એક પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો.
આ ભયાનક અકસ્માતમાં માલદેભાઈ, તેમનાં પત્ની મનીષાબેન અને સાળા જયમલભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર પાંચ વર્ષની બાળકી નૈતિકા માલદેભાઈ ભૂતિયાનો બચાવ થયો છે, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને કુતિયાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહોને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
મૃતકોની વિગત
માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા - ઉંમર 40 વર્ષ
મનીષાબેન માલદેભાઈ ભૂતિયા - ઉંમર 38 વર્ષ
જયમલભાઈ ઓડેદરા - ઉંમર 40 વર્ષ