ગૃહમંત્રી કાલે 38 અરજદારોને સાંભળશે અને છેતરપિંડીનો ભોગ બનેલા ઉદ્યોગકારો સાથે મીટિંગ કરશે
રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના લોકાર્પણ બાદ શહેરના પોલીસ અધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ આવનાર હોય અને જામટાવર પાસે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરનાર છે આ કાર્યક્રમ બાદ રાજકોટ જિલ્લાના વિંછીયા અને આટકોટ પોલીસ લાઈનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરનાર હોય ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં વિવિધ મુદ્દાઓને લઈને 38 જેટલા અરજદારોને મળશે જેમાં સાયબર ફ્રોડ તેમજ વ્યાજખોર તથા સ્થાનિક પોલીસને સ્પર્શતા પ્રશ્ર્નો બાબતે અરજદારોને સાંભળશે તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓે મળી છેતરપીંડીનો ભોગ બનેલા ઉદ્યોગકારોના પ્રશ્ર્નોને લઈને મહત્વની મીટીંગ પણ કરશે અને ત્યારબાદ રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજરોજ કચ્છ ખાતેની મુલાકાત અને મોરબી ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે સંભવત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચશે અને રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે જામટાવર પાસે કલેકટરના નિવાસસ્થાન પાસે બનેલા નવનિર્મિત રાજકોટ રેન્જનાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ વિંછીયા અને જસદણ પોલીસ લાઈનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે.
ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી રાજકોટ શહેરનાં અરજદારો અને નાગરિકોને સાંભળશે જેમાં રાજકોટ શહેરના અલગ અલગ 38 અરજદારો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રૂબરૂ મુલાકાત કરશે. જેમાં 16 જેટલા અરજદારો કે જેઓ સાયબર ફ્રોર્ડનો ભોગ બનેલા છે તે ઉપરાંત વ્યાજખોરો તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બાબતોએ કરેલી અરજીને લઈને ગૃહ રાજ્યમંત્રીને કરેલી ફરિયાદ અંગે આવા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તે ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈશ્ર્નવ સહિતના અગ્રણીઓને પણ મળશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટના કેટલાક ઉદ્યોગકારોના નાણાં ફસાયા હોય અને છેતરપીંડીનો ભોગ બન્યા હોય તે મામલે ઓપન હાઉસ ચર્ચા કરવા માટે ગૃહ રાજ્યમંત્રીનો સમય લેવા તેમને મળશે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી જે સમય અને તારીખ આપે ત્યારે રાજકોટનાં ઉદ્યોગકારો પોતાની ફરિયાદોના પુરાવા સાથે ગૃહ રાજ્યમંત્રીને મળવા જશે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ સાથે પણ એક બેઠક કરવાના હોય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાજકોટની મુલાકાતને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓએ તડામાર તૈયારીઓ માટે તેમના તાબાના સ્ટાફને સુચના આપી છે.