10,000 લોકોના અભિપ્રાય મેળવી પોલીસનું રીયાલિટી ચેક કરશે ગૃહમંત્રી
સાચું ચિત્ર મેળવવા સામાન્ય લોકોને ફોન કરી પોલીસની કામગીરી, ભૂમિકા અને રિસ્પોન્સનો અભિપ્રાય મેળવાઇ રહ્યો છે અનેક છાપેલ કાટલાના તપેલા ચઢી જશે
રાજય સરકારનાં ગુડ ગર્વનન્સના ભાગરૂપે ગૃહમંત્રીએ પોલીસ વિભાગની સામાન્ય જનલક્ષી કામગીરીની ગ્રાઉન્ડ લેવલથી સમીક્ષા કરવાનુ ચાલુ કર્યુ છે અને સામાન્ય લોકોને ફોન કરીને પોલીસની કામગીરી, ભુમિકા, જવાબ વગેરે જેવા પાસાઓ અંગે અભિપ્રાય મેળવાય રહયા છે.
આ અંગે ફોન કરીને કહેવામા આવી રહયુ છે કે ગૃહમંત્રીના કાર્યાલયમાંથી બોલું છું. કેમ છો? અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ક્યાસ કાઢવા અને પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવા ગુજરાતના દરેક શહેરના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓથી લઈ સામાન્ય લોકોને કોલ કરી પોલીસની છબીનો, ભૂમિકાનો પારદર્શક અભિપ્રાય મેળવી રહ્યા છીએ. તમારા પોલીસ તંત્ર વિશેના અનુભવો જણાવશો પ્લીઝ. તમારો તટસ્થ અભિપ્રાય અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.
કારણ કે સારું કામ કરનારને પ્રોત્સાહિત કરી શકાય અને નબળું કામ કરનાર સામે પગલાં ભરી શકાય. તમારા શહેરની પોલીસનું કામ સારું છે કે ખરાબ? નિશ્ચિંત થઈને જણાવો, સાચું ચિત્ર રજૂ થશે તો બઢતી-બદલી કે બરતરફ સુધીના નિર્ણય લેવાશે.
આવા કોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયેથી આવી રહ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ગૃહમંત્રીના કાર્યાલયમાંથી આવા અભિપ્રાય મેળવી પોલીસની કામગીરી કે છબી સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
10 હજાર લોકોના અભિપ્રાય લેવાશે, તેના આધારે બઢતી-બદલીનો નિર્ણય લેવામા આવશે. આ અંગે ગૃહમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે જાણવા લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છીએ. આ પ્રેક્ટિસને કાયમી બનાવી સમગ્ર સિસ્ટમ સુધારી વધુ સુદૃઢ બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યભરના 10 હજાર લોકોના અભિપ્રાય મેળવી તેનું વિશ્ર્લેષણ કરાશે. તેના આધારે બઢતી, બદલી કે બરતરફ સુધીના નિર્ણય લેવાશે.
મોટાભાગના સવાલોમા પુછાય રહયુ છે કે તમારે પોલીસ મથકે જવાનું થાય છે? તમારો અનુભવ કેવો છે? સંતોષકારક જવાબ મળે છે કે નહીં? પીએસઆઇ અને પીઆઇ હાજર હોય છે કે નહીં? જે તે પોલીસ મથકમાંથી યોગ્ય જવાબ ન મળે અને ઉચ્ચ અધિકારીને મળવા જવાનું થાય તો મુલાકાત અપાય છે કે નહીં? પોલીસ મથકમાં ફરિયાદ કે રજૂઆતનું સરળતાથી નિરાકરણ થાય છે કે નહીં?
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા વર્તાય તો હેલ્પનંબર 14449 પર ફોન કરવા અપીલ
ગુજરાત પોલીસનાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પોલીસની વર્તણુંકમા અસભ્યતા અનુભવાય તો ફરીયાદ માટે હેલ્પ લાઇન નંબર 14449 પર સંપર્ક કરી સહાય મેળવવા માટે જણાવાયુ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિદેશથી પરત ફરી અમદાવાદ એરપોર્ટથી ઉતરેલા દંપતી પાસે થયેલા તોડકાંડ બાદ આ અંગે આદેશ આપવામા આવ્યો હતો. જેનાં પગલે ગુજરાત પોલીસ દ્વારા આ હેલ્પ લાઇન શરૂ કરી દેવાઇ હતી અને હાલ અલગ અલગ સોશ્યલ મીડીયાનાં માધ્યમથી તેનો બહોળો પ્રચાર કરવામા આવી રહયો છે.