અમેરિકન ટેરિફનો માર, ગુજરાતના ટેકસટાઇલ નિકાસમાં 12.91%નો ઘટાડો
ઓર્ડર રદ થવાનો અને ભાવોની પુન: સમીક્ષાના માહોલથી નિકાસકારોમાં ચિંતા
ગુજરાતના કાપડ નિકાસકારોએ તાજેતરના સમયમાં સૌથી મોટો માસિક ફટકો સહન કરવો પડ્યો છે. અમેરિકાએ લાદેલા નવા ટેરિફ (જકાત)ના આંચકાને કારણે નિકાસના ડેટામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ક્ધફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI)ના ડેટા મુજબ, ઓક્ટોબર 2025માં ભારતની કાપડ નિકાસમાં વાર્ષિક ધોરણે 12.9% નો મોટો ઘટાડો થયો છે, જ્યારે ગારમેન્ટની નિકાસ 12.88% ઘટી છે, જે કાપડ અને એપરલ સેક્ટરમાં કુલ 12.91% ના ઘટાડાનો સંકેત આપે છે. જોકે એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સંચિત ઘટાડો 1.6% જેટલો હળવો રહ્યો છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં જ ટેરિફનો વાસ્તવિક ફટકો ગુજરાતની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન પર સૌથી વધુ પડ્યો છે.
અમેરિકાએ ભારતીય મૂળના તમામ માલસામાન પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદ્યો હતો, જેને 27 ઓગસ્ટથી વધારીને 50% કરવામાં આવ્યો હતો. યુએસ એ ભારતની કુલ કાપડ નિકાસમાં લગભગ 30% હિસ્સો ધરાવતું સૌથી મોટું બજાર છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ટેક્સટાઇલ કમિટીના સહ-અધ્યક્ષના મતે, સપ્ટેમ્બર સુધીના લગભગ અડધા શિપમેન્ટને નીચા ટેરિફથી રક્ષણ મળ્યું હતું, પરંતુ ઓક્ટોબરના ક્ધસાઇનમેન્ટ પર નવી અને ઊંચી ડ્યુટી લાગુ થતાં નિકાસના જથ્થામાં સ્પષ્ટપણે ઘટાડો જોવા મળ્યો છે.
આ નુકસાનની અસર સમગ્ર ઇકોસિસ્ટમ પર જોવા મળી રહી છે, જેમાં હોમ ટેક્સટાઇલ્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ગારમેન્ટ્સ, યાર્ન અને ફેબ્રિક જેવા ક્ષેત્રો, જ્યાં ગુજરાતનું પ્રભુત્વ છે, તે તમામ પીડાઈ રહ્યા છે. યાર્ન અને ગ્રે ફેબ્રિકના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે, જ્યારે હોમ ટેક્સટાઇલના ઘણા ખરીદદારો નીચા ભાવો પર કરારોની પુન: વાટાઘાટો શરૂૂ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, નિકાસકારોના માર્જિન પહેલેથી જ ઓછા હોવાથી, ટેરિફને કારણે થયેલા ખર્ચના ગેરલાભે ઘણા નિકાસકારોને સ્પર્ધામાંથી બહાર ધકેલી દીધા છે. સસ્તા કાચા માલનો ફાયદો પણ, ભારતના સૌથી મોટા બજારમાં ટેરિફ-સંચાલિત ભાવ નિર્ધારણના પડછાયા હેઠળ ઢંકાઈ ગયો છે, જેનાથી નફાકારકતા અનિશ્ચિત બની છે.