હિટ એન્ડ રન: દાદીને મળી પરત ફરતા રિક્ષાચાલક યુવાનનું કરૂણ મોત
શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી માધાતરના રસ્તા પર મોડી રાતે રિક્ષાને અકસ્માત નડતાં મોરબી રોડના હડાળા ગામે રહેતાં 18 વર્ષના યુવાનનું કરૂૂણ મોત થયું છે. તે બજરંગવાડીમાં રહેતાં દાદીના ઘરેથી પરત પોતાના ઘરે રિક્ષા હંકારીને જતો હતો ત્યારે રસ્તામાં કોઇ વાહનની ઠોકરે ચડતાં અથવા રિક્ષા કોઇ કારણોસર ગોથું મારી જતાં આ બનાવ બન્યો હતો. આ યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતો પ્રેમ આમદભાઇ મોવર (ઉ.વ.18) નામનો યુવાન સાંજે પોતાની રિક્ષા લઇને રાજકોટ બજરંગવાડીમાં રહેતાં દાદીના ઘરે આવ્યો હતો. રાતે સાડા બારેક વાગ્યે ત્યાંથી પોતાના ઘરે હડાળા જવા માટે નીકળ્યો હતો. અડધા કલાક બાદ દાદીના ઘરેથી તેને ફોન કરી તે પહોંચ્યો કે નહિ તે જાણવા પ્રયાસ કરતાં ફોન રિસીવ ન થતાં પરિવારજનો શોધખોળ કરવા નીકળતાં તેની રિક્ષા માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના રસ્તા પર બેડી ચોકડી નજીક પલ્ટી ખાઇ બૂકડો બોલી ગયેલી જોવા મળી હતી. વળી રિક્ષા રોંગ સાઇડમાં જોવા મળી હતી. ત્યાં લોકો ઉભા હોઇ રિક્ષા ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયાનું કહેતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.
અહિ અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ કરાયો હોઇ તે પ્રેમ મોવર હોવાનું ખુલ્યું હતું. સારવાર દરમિયાન પ્રેમનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પ્રેમ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ હસીનાબેન છે. છુટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આધારસ્તંભ દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.