હિટ એન્ડ રન: શાપર વેરાવળમાં JCB અડફેટે બે વર્ષની બાળાનું મોત
શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતાં નેપાળી પરિવારની બે વર્ષની માસુમ બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યા જેસીબીના ચાલકે માસુમ બાળકીનું ઠોકરે ચડાવી હતી. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત સર્જી નાસી છુટેલા જેસીબી ચાલકની ઓળખ મળતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં નેપાળી પરિવારની કાશ્વીત નિર્મળભાઈ ઓજી નામની બે વર્ષની માસુમ બાળકી સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યા જેસીબીના ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી જેસીબી ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતાં નેપાળી પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકી એક ભાઈ ત્રણ બહેનમાં નાની હતી અને તેના માતા પિતા કારખાનામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માત સર્જી નાસી છુટેલા જેસીબી ચાલકની ઓળખ મળતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.