હિટ એન્ડ રન: પુનિતનગરના ટાંકા પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને અજાણયા વાહન ચાલકે ઉલાળતા મોત
રાજકોટ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિતનગરના ટાંકા પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને અજાણ્યા વાહન ચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રૌઢનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિતનગરના ટાંકા પાસે હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ હરિભાઈ ચાવડા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિતનગરના ટાંકા નજીક સેફટી મોલ સામે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે રસ્તો ઓળંગતા પ્રૌઢને ઠોકરે ચડાવ્યા હતા. અને અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરતા 108 ના તબીબે જોઈ તપાસી ઘટના સ્થળે જ પ્રૌઢને મૃત જાહેર કરતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ મૃતક પ્રૌઢના પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. અને પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ ચાવડા ત્રણ ભાઈમાં મોટા હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ ચાવડાના ભાઈ સંદીપ હરિભાઈ ચાવડાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નીંધવી છે. ફરિયાદના આધારે પોલીસે જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.