ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોત
લોહાનગરના પ્રૌઢા ચાલીને ચા પીવા જતા હતા ને વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટ્યો
શહેરના ગોંડલ રડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. લોહાનગરમાં રહેતા પ્રૌઢા ચાલીને ચા પીવા જતા હતા. ત્યારે અજાણયો વાહન ચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાશી છૂટલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર જીમી ટાવર પાસે આવેલા લોહાનગરમાં રહેતા શાંતાબેન પોપટભાઇ નાવડીયા (ઉ.વ.58) નામના પ્રૌઢા આજે સવારે ચાલીને ગોંડલ રોડ પર લીજ્જત પાપડ પાસે જતા હતા ત્યારે અજાણયા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છૂટ્યો હતો. આ બનાવમાં પ્રૌઢાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપવજ્યુ હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શાંતાબેનને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને પતિ હયાત ન હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ સવારે ચા પીવા માટે ચાલીને જતા હતા. ત્યારે અજાણયો વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
કુવાડવા રોડ જીઆઇડીસી નજીક સ્કોર્પિયોની ઠોકરે હોટેલ સંચાલકનું મોત
રાજકોટ શહેરના કુવાડવા ગામ જીઆઇડીસી બ્રિજ નજીક બાઈક ચાલક પ્રૌઢને સ્કોર્પિયો કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢને કપાળે ઇજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ મામલે કુવાડવા રોડ પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ વિગતો મુજબ,કુવાડવા ગામે રહેતા બાબુભાઈ કાળુભાઈ લામકા(ઉ.59) કે જેઓ કુવાડવા હાઇવે પર ઠાકરધણી હોટેલ ચલાવે છે અને ચા પાણી તથા બીડીનો વેપાર કરતા હતા.તેમજ ખેતીકામ પણ કરતા હતા તેઓ ગઈ કાલે તેઓ સાતડા ગામે આવેલી પોતાની વાડીએથી પરત ફરતા હતા ત્યારે કુવાડવા ગામ જીઆઇડીસી બ્રિજ નજીક સ્કોર્પિયોના ચાલકે ઠોકરે લેતા બાબુભાઈને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ તેમના મૃતદેહને કુવાડવા નજીક સીએચસી સેન્ટરમાં મોકલાયો હતો. જયા ફરજ પરના તબીબે બાબુભાઇને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફ તુરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાબુભાઈને સંતાનમાં બે દીકરા એક દિકરી છે.આ બનાવ અંગે પુત્ર રણજિતની ફરિયાદ પરથી સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા અકસ્માત સર્જાયા બાદ ભાગી ગયેલા સ્કોર્પિયો ગાડીના ચાલકની શોધખોળ શરૂ કરી છે. બાબુભાઇના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.