પડધરી નજીક હિટ એન્ડ રન: કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતા મોત
મૂળ આણંદના પેટલાદ તાલુકાના જુગલ જગદીશપુરા ગામના વતની અને હાલ પડધરીના ન્યારા ગામના પાટીયા પાસે હોટલમાં કામ કરતો યુવાન રાત્રીના સમયે ચાલીને જતો હતો ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ આણંદના પેટલાદ તાલુકાના જુગલ જગદીશપુરા ગામના વતની અને હાલ પડધરીના ન્યારા ગામના પાટીયા પાસે આવેલ દેશી ભાણુ નામની હોટલમાં કામ કરતો જીતુ મોહનભાઇ કોળી નામનો 31 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના સમયે ચાલીને જતો હતો. જીજે 36 એએલ0056 નંબરની કરના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જીતુ કોળીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીતુ કોળી બે વર્ષથી દેશી ભાણું હોટલમાં નોકરી કરે છે અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો તેને સંતાનમાં ત્રણ પુત્રી છે અને હાલ તેની પત્નીને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.