જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જૂના માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર અજાણયા વાહન ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવી નાશી છુટતા સ્કૂટર ચાલક પ્રૌઢનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્ય છે. કોઠારીયા ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં રહેતા પ્રૌઢ માર્કેટ યાર્ડ બટાટા લેવા જતા હતા ત્યારે જ કાળ ભેટી જતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ચોકડી નજીક આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને બટાટાનો ધંધો કરતા ખીમાભાઇ આણંદભાઇ હુંબલ (ઉ.વ.60) નામના પ્રૌઢ આજે વહેલી સવારે પોતાનુ સ્કૂટર લઇ જૂના માર્કેટ યાર્ડમાં બટાટા લેવા જતા હતા ત્યારે કોઠારીયા બાયપાસ હાઇવે પર માર્કેટ યાર્ડ નજીક માજોડી નગરના ખુણા પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતા અજાણયા વાહન ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જ વાહન ચાલક નાશી છૂટયો હતો આ બનાવમાં સ્કૂટર ચાલક ખીમાભાઇને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનુ ટૂકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.બનાવની જાણ થતા પરિવાર જનો હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનુ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ખીમાભાઇ બેભાઇ છ બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જ નાશી છુટેલા અજાણયા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.