નવાગામ પાસે હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મોત
શહેરની ભાગોળે કુવાડવા હાઈ-વે પર આવેલા નવાગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રસ્તો ઓળંગતા શ્રમિક યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં કુવાડવા જીઆઈડીસી નજીક છોટાહાથીએ ઠોકરે ચડાવતાં પરપ્રાંતિય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર ઓડીના શો રૂમ પાસે રહેતો અને મુળ યુપીનો વતની અભિષેક બનવારીલાલ ચૌહાણ (ઉ.28) નામનો યુવાન ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં નવાગામ નજીક ઓડીના શો રૂમ સામે રસ્તો ઓળંગતો હતો ત્યારે હાઈવે પર પુરપાટ ઝડપે આવતાં અજાણ્યો વાહન ચાલક યુવાનને ઠોકરે ચડાવી નાસી છુટયો હતો. આ અકસ્માતમાં અભિષેકને હાથે પગે અને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત નિવડે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું તથા છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી મારભલના ડેલામાં કામ કરતો હતો. આ અંગે પોલીસે મૃતકના કૌટુંબીક ભાઈ સાવંત લલનભાઈ ચૌહાણની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મુળ જમ્મુના ઉધ્ધમપુર જિલ્લા પંજર ગામનો વતની અને હાલ કુવાડવા જીઆઈડીસી નજીક વઢવાણી કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતો કેવલસિંગ પંજાબસિંગ નામનો યુવાન ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં કુવાડવા જીઆઈડીસી નજીક ઓવરબ્રીજ પાસે રસ્તો ઓળંગતો હતો ત્યારે ચોટીલા તરફથી પુરપાટ ઝડપે આવતાં છોટાહાથીના ચાલકે કેવલસિંગને ઠોકરે ચડાવતાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે કુવાડવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે તેની સાથે કામ કરતાં ભીમસિંગ ડોઢાની ફરિયાદ પરથી છોટાહાથીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.