મોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોત
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા 65 વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું.બનાવ અંગે પોલીસે વૃદ્ધાના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર,મોરબી રોડ પર વેલનાથપરા શેરી નંબર 1318 ના ખૂણે રહેતા હતું ખતુબેન બાબુભાઈ જામ(ઉ.વ 65) નામના વૃધ્ધા ગઈકાલે સવારના ઘર નજીક મોરબી રોડ પર શાળા નંબર.71 થી આગળ બેડી ચોકડી નજીક ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અહીં પંચરની દુકાન પાસે પહોંચતા પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરોએ વૃદ્ધાને હડફેટે લીધા હતા.અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ વૃદ્ધાનું મોત થયું હતું.જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતની ભેટનાર વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે.વૃધ્ધા લઘુશંકા કરવા જઈ રહ્યા હતા.
બનાવ અંગે વૃદ્ધાના પુત્ર અકબર બાબુભાઈ જામ (ઉ.વ 45,રહે.મોરબી રોડ વેલનાથપરા)ની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ સફેદ કલરના બોલેરો પીકઅપ વાહનના ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે.